1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (17:10 IST)

દીકરાનો જન્મ થાય તે માટે સાસુએ ભભૂતિ અને દવાઓ આપી, દીકરીનો જન્મ થતાં જ વહુને હોસ્પિટલમાં મુકીને સાસરિયા ચાલ્યા ગયા

અમદાવાદમાં અંધશ્રદ્ધા અને દહેજને લઈને અનેક પરીણિતાઓનું જીવન દુઃખમય બની જતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે શહેરમાં એક એવી ઘટના સામે આવી છે. જેમાં સાસરિયાઓએ મોટા દીકરાની વહુને દીકરો જન્મે તે માટે ભભૂતિ અને દવાઓ આપી હતી. પરંતુ વહુને દીકરી અવતરતાંજ સાસરિયાઓ તેને હોસ્પિટલમાં એકલી છોડીને ચાલ્યા ગયાં હતાં. આ બાબતે પરીણિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતા પરિવારમાં મોટા દીકરાની વહુને દીકરીઓ અવતરી હતી. ત્યાર બાદ તે ફરીવાર ગર્ભવતી થતાં સાસરીયાઓ તેની પાસે દીકરો થાય તેવી આશા રાખતાં હતાં. તેઓ પરીણિતાને મારઝૂડ કરતાં અને બીભત્સ ગાળો બોલતાં હતાં. અનેક વખત મેણા ટોણા મારીને નશાની ગોળીઓ ખવડાવી દેતાં હતાં. લગ્ન બાદ પરીણિતાને થોડા સમય સુધી સાસરિયાઓએ સારી રીતે રાખી હતી. ત્યાર બાદ પરીણિતાએ દીકરીઓને જન્મ આપતાં સાસરિયાઓએ તેમના ભરણપોષણ માટે પરીણિતાને તેના પિયરથી પૈસા લાવવા દબાણ કર્યું હતું. પરિણીતાએ સંસાર બગડે નહીં તે માટે તેના પિતા પાસેથી તમામ પ્રકારની જીવન જરૂરી ચીજવસ્તુઓ લાવીને આપી હતી. 
 
પરીણિતાને તેની સાસુ અને દીયરે કહ્યું હતું કે, આ વખતે તો તેમને દીકરો જ જોઈએ નહીં તો ઘરમાંથી કાઢી મુકીશું તેવી ધમકી આપી હતી. ત્યાર બાદ પરીણિતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. દીકરો આવ્યો હોવા છતાં સાસુ અને દીયરનો ત્રાસ ઓછો નહોતો થયો. તેમણે પરીણિતાને કહ્યું હતું કે, દીયરના લગ્ન થવાના છે તો તુ તારા બાપ પાસેથી મકાનની માગણી કરજે કારણ કે લગ્ન પછી રહેવા માટે આ ઘર નાનું પડશે. અને તારા પિતા તને ઘર આપે તો તું તેમાં અલગ રહી શકે. આ બાબતનો પરીણિતાએ વિરોધ કર્યો હતો. ત્યારે પતિ, સાસુ અને દિયરે પરીણિતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો. 
 
પરીણિતાએ તેના પિતા પાસે કંટાળીને મકાનની માંગ કરી હતી ત્યારે તેના પિતાએ મકાન માટે 50 લાખ રોકડા, ફર્નિચર માટે 30 લાખ રોકડા આપ્યા હતાં. ત્યાર બાદ પરીણિતા તેના પતિ અને સંતાનો અને સાસુ સાથે મુંબઈ રહેવા ગઈ હતી. ત્યારે તેના પતિએ ધંધો કરવા માટે કરિયાવરમાં આવેલા 75 તોલા સોનાના દાગીના વેચીને ધંધો ચાલુ કર્યો હતો. તેમજ નવા દાગીના અપાવવાનો વાયદો કર્યો હતો. પરીણિતાએ ફરીવાર સંતાનની જરૂર નથી એવી વાત કહેતા જ સાસુ અને પતિએ ફરીવાર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. સાસુએ દીકરાના જન્મને લઈને પરીણિતાને ભભૂતિઓ પીવડાવી હતી અને વિવિધ દવાઓ પણ ખવડાવી હતી. 
 
આ દરમિયાન તે ગર્ભવતી બની હોવાથી સાસુએ આપેલી ભભૂતિ અને દવાથી તેના શરીરમાં ઈન્ફેક્શન થયું હતું. એક સમયે તેને હોસ્પિટલમાં પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. જ્યાં તેને દીકરીને જન્મ આપતાં જ સાસુ અને પતિ હોસ્પિટલમાં તેને એકલી છોડીને જતાં રહ્યાં હતાં. હોસ્પિટલનું બીલ પણ પરીણિતાની બહેને ભર્યું હતું. આટલો ત્રાસ ગુજાર્યા પછી પતિએ તેને ત્રણ તલ્લાક આપી દીધા હતાં. ત્યાર બાદ પરીણિતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.