શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (15:00 IST)

Surat Crime - સુરતમાં રૂમમાંથી પતિ ફાંસો ખાધેલી​​​​​​​ અને પત્ની સૂતેલી હાલતમાં મૃત મળી, પત્નીની હત્યા બાદ પતિના આપઘાતની આશંકા

સુરતના પાંડેસરામાં રૂમમાંથી પતિ-પત્નીના રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. પતિ ફાંસો ખાધેલી હાલતમાં અને પત્નીનો મૃતદેહ સૂતેલી હાલતમાં મળી આવતા પતિએ પત્નીની હત્યા બાદ પોતે આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. જોકે બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

બિહારના સિતામઢીના મોતીપુરના વતની અને પાંડેસરામાં રહેતા રંજીતકુમાર શાહ(26) અને તેમની પત્ની સુશીલાકુમારી(25) છેલ્લા 2 મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમનો રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દરવાજો તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી તાળું મારેલું હતું. રૂમમાંથી તેમની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે બન્નેની ઓળખ થઈ હતી.2 મહિનાથી રહેવા માટે આવેલા રંજીત અને તેની પત્ની રૂમની બહાર બહું ઓછું નિકળતા હતા. તે કોઈ કામધંધો કરતો હતો કે કેમ તે પણ પાડોશીઓ જાણતા ન હતા અને તેમના નામ પણ જાણતા ન હતા. બન્ને પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે તેમની ઓળખ થયા બાદ વતનમાં રહેતા સંબંધીનો પોલીસે સંપર્ક સાધ્યો હતો. જોકે નજીકનું કોઈ પરિચીત વ્યક્તિ સુરતમાં રહેતું હોય તેવું હજી સુધી કોઈ સામે આવ્યું નથી.દંપતીના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હોવાથી અને 3થી 4 દિવસ પહેલા મોત નીપજ્યું હોવાથી બન્નેએ સાથે આત્મહત્યા કરી કે પછી પતિએ પત્નીની હત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જેથી બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ બાદ પત્નીની હત્યા થઈ છે કે તેણે પણ આપઘાત કર્યો છે તે સ્પષ્ટ થશે.