મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 9 નવેમ્બર 2021 (12:49 IST)

અમદાવાદમાં સગી ભાભી જ સગીર વયની નણંદને બે હજાર રૂપિયાની લાલચમાં દેહ વિક્રયમાં ધકેલી

ભાઈના ઘરે આવેલી સગીરાને ભાભીએ પહેલા પોતાની બહેનપણીના ઘરે મોકલી
બહેનપણીએ સગીરાને નવરંગપુરાની ક્રિસ્ટલ હોટેલમાં યુવકને સોંપી
 
 
સમાજમાં સંબંધોની મર્યાદાને શરમમાં મુકે તેવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે. ખાસ કરીને દુષ્કર્મની ઘટનાઓની સંખ્યામાં સૌથી મોટો વધારો થયો છે. અમદાવાદમાં પણ આવા અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. શહેરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સગી ભાભી પોતાની નણંદને દેહવિક્રય કરવા મજબૂર કરતી હતી. બે હજાર રૂપિયાની લાલચમાં સગીર વયની નણંદને વાસના ભૂખ્યા હેવાનોને સોંપી દેવામાં આવતી હતી. 
 
રૂપિયાની લાલચમાં સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં વટવા GIDC પોલીસ સ્ટેશનમાં સગીર વયની નણંદને બે હજાર રૂપિયા લઈને દેહ વિક્રય માટે મોકલતી ભાભી સામે ફરિયાદ નોંધાઈ છે. સંબંધોને તાર તાર કરનારી આ ઘટનામાં પોલીસે હાલ આરોપીઓને શોધવાના પ્રયાસો હાથ ધર્યાં છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વટવા GIDCમાં રહેતી સગીરા સાથે રોજ નવા નવા લોકો આવીને જબરજસ્તી શારીરિક સબંધ બાંધતા હતાં. આ માટે સગીરાની સગી ભાભી જ ગ્રાહકો શોધતી હતી.ભાભી જ નણંદને બળજબરી પૂર્વક બે હજાર રૂપિયામાં યુવકો સાથે મોકલી આપતી હતી. 
 
સગીરા ભાઈને ત્યાં રોકાવા માટે આવી હતી
વટવા GIDC વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ હતી. દોઢેક મહિના સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. સગીરાએ તેના બીજા ભાઈને જાણ કરી હતી કે જ્યારે તે ભાઈને ત્યાં રોકાવા માટે ગઈ ત્યારે ભાભીએ તેને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી. જે પહેલા આ સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી અને બાદમાં નવરંગપુરામાં આવેલ હોટલ ક્રિસ્ટલ પર લઈ ગઈ હતી. જ્યાં રૂપિયા બે હજાર લઈને તેને દરિયાપુરના એક યુવક સાથે હોટલમાં મોકલી આપી હતી.જ્યાં તે યુવકે સગીરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. 
 
સગીરાએ બીજા ભાઈને કહેતાં જ મામલો પ્રકાશમાં આવ્યો
તે રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ ઘરે પરત આવી હતી. બાદમાં તેની ભાભીના કહેવાથી ફરીથી સગીરાને ઈસનપુર લઈ જવામાં આવી. જ્યાં પણ અન્ય એક યુવક પાસેથી રૂપિયા બે હજાર લઈને તેને યુવકના ઘરે બીજા રૂમમાં મોકલી આપી હતી. જ્યાં તેની સાથે આરોપી યુવકે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેના બીજા ભાઈને કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.