મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ફેબ્રુઆરી 2022 (16:40 IST)

ફતેપુરમાં પ્રેમમાં કાંટારૂપ પતિને પાગલ કરવા પ્રેમી સાથે મળી ભૂવા પાસે વિધિ કરાવી, કામ ન થયું તો ગળું દબાવી હત્યા કરી

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે 2 ફેબ્રુઆરીના રોજ પુલ નીચેથી મૃત મળેલા યુવકની પત્નીએ જ પ્રેમી, પોતાના સગા ભાઇ અને ભૂવાની મદદગારીથી કાસળ કઢાવ્યુ હોવાનું પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રેમમાં આડખીલી બનેલા પતિને પાગલ કરવા અથવા મરાવી નાખવા રાજસ્થાનના ભૂવા પાસે વિધિ બાદ પણ કંઇ નહીં થતાં ડુંગર ગામે પોતાના પિયરમાં લઇ જઇને ત્યાં વિધિના બહાને સફેદ ચાદર ઓઢાવ્યા બાદ હાથ પગ પકડી રાખી ગળુ ભીંચી નખાયુ હતું. ત્યાર બાઇક ઉપર લઇ જઇ લાશને ફેંકી દેવાઇ હતી. આ પ્રકરણમાં પોલીસે પત્ની, પ્રેમી, સગા સાળા અને ભૂવો મળીને ચારની ધરપકડ કરી છે જ્યારે રાજસ્થાનના ભૂવાની શોધખોળ શરૂ કરી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વલુન્ડા ગામે રહેતાં 45 વર્ષિય રમણભાઇ નાથાભાઇ બરજોડની 40 વર્ષિય પત્ની રેશમબેનની આંખ એક વર્ષ પહેલાં ઘુઘસ ગામના તળગામ ફળિયાના બોરીયા નારસિંગ પારગી સાથે મળી હતી. આ બાબતની રમણભાઇને ખબર પડી જતાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. જેથી આંખમાં કણીની માફક ખુંચતા રમણભાઇને પાગલ કરી દેવા અથવા મારી નાખવા માટે રાજસ્થાનના માનગઢ નજીક આવેલા ધુધા ગામના ભૂવાનો સંપર્ક સાધ્યો હતો. રાજસ્થાનના ભૂવાએ ઘુઘસ ગામે રહેતાં અને ભૂવાનું કામ કરતાં ચીમન સવજી બારિયા પાસે ઇલાજ કરાવવા જણાવ્યુ હતું. પ્રેમમાં અંધ રેશમે રમણને મારી નાખવાના કાવતરામાં ડુંગર ગામે રહેતાં પોતાના સગાભાઇ રાકેશ ભીમા દામાને પણ ભેળવ્યો હતો. રેશમ સહિતના લોકોએ કાવતરૂ રચીને રમણને વિધિ કરવાના બહાને ડુંગર ગામે રાકેશના ઘરે તેની સાસરીમાં લઇ જવાયો હતો. ત્યાં વિધિના બહાને પાણી પીવડાવ્યા બાદ તેના શરીરે સફેદ ચાદર ઓઢાવવામાં આવી હતી. ચીમને વિધી શરૂ કર્યા બાદ તકનો લાભ લઇને પત્ની રેશમબેન, ચીમન, રાકેશ હાથ-પગ પકડી રાખતા બોરીયાએ ગળુ દબાવી રાખી રમણભાઇની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ તેમનો મૃતદેહ બાઇક ઉપર મુકીને પીપલારા નદીના પુલ નીચે ફેંકી દીધો હતો. ફતેપુરા પોલીસે રેશમ, બોરીયા, ચીમન અને રાકેશની ધરપકડ કરી છે જ્યારે રાજસ્થાનના ભૂવાની શોધખોળ શરૂ કરી છે. પતિ રમણભાઇને તાવ આવ્યો હતો ત્યારે આ બાબતનો લાભ લઇને પત્ની રેશમે સાજો કરવા માટે રાજસ્થાનના ભૂવા પાસે લઇ જઇને સાજો કરવાની વાત કરી હતી. જોકે ,ભૂવા પાસે રમણને પાગલ કરી દેવા કે મારી નાખવાની વિધિ કરવાની ડીલ થઇ હતી. રાજસ્થાનના ભૂવાએ રમણને કંઇક કરી દીધેલુ હોવાનો વહેમ નાખ્યો હતો અને તેનો કેસ ઘુઘસ ગામે રહેતાં પોતાના શિષ્ય ચીમન પાસે ટ્રાન્સફર કર્યો હતો. ચીમનને પણ કાવતરામાં ભેળવીને રમણને રસ્તેથી હટાવવા માટે વિધિના બહાને તેની સાસરીમાં લઇ જઇ કાસળ કાઢી નખાયુ હતું. રમણભાઇનું મોત શંકાસ્પદ જણાતા હત્યા અને ગુનાઇત કાવતરાનો ગુનો દાખલ કરાયો હતો. ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ભરાડાના આદેશ મુજબ પોલીસ અધીક્ષક હિતેશ જોયસરની સુચના બાદ એએસપી વિજયસિહ ગુર્જર તથા સીપીઆઇ સંગાડાના માર્ગદર્શનમાં પીએસઆઇ બરંડાએ તપાસ શરૂ કરી હતી. ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરવા સાથે રમણના પરિવારનું નિવેદનો સાથે જરૂરી બાતમીદારોથી બાતમી હકીકત મેળવતા રેશમબેનના આડા સબંધની લીડ મળી હતી. ઘનિષ્ઠ પુછપરછ બાદ રેશમબેન અને બોરીયાએ ગુનાની કબૂલાત કરી લીધી હતી.