ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 4 સપ્ટેમ્બર 2023 (17:17 IST)

પિતા સાથે ઝઘડો કરી રહેલા પુત્રોએ સમજાવવા આવેલી માતાને પતાવી દીધી

વાંસદા તાલુકાના લાછકડી ગામે રહેતા જાનુભાઈ જાદવના પરિવારમાં પત્ની સુમિત્રાબેન અને બે દીકરા અને એક દીકરી છે. જાનુભાઇ હાલ પોતાના નિતેશ નામના પુત્ર સાથે રહે છે. રવિવારે સાંજે ઘરમાં વીજળી ન હોવાથી જાનુભાઇને પત્ની સુમિત્રાબેને જાણ કરી હતી. જેથી તપાસ કરતા ખબર પડી કે માત્ર તેમના જ ઘરે જ વીજળી નથી બાકી પાડોશીઓને ત્યાં વીજળી આવે છે. જેથી જાનુભાઈએ પોતાના 12 વર્ષીય પૌત્રને DGVCLના થાંભલા ઉપર ચઢી આંકડો હલાવવા કહ્યું હતું.

દાદાના કહેવા પ્રમાણે પૌત્રએ આમ કરતાં જ વીજળી આવી જતા પૌત્ર થાંભલાથી નીચે ઊતરી ગયો હતો.આ વાતની જાણ સૌથી મોટા પુત્ર નિતેષને થતાં તે સાંજના સમયે પોતાના ભાઈ સાથે આવી માતા-પિતા સાથે માથાકૂટ કરી ગાળો આપતા કહ્યું હતું કે, 'મારો પુત્ર વીજ કરંટથી મૃત્યુ પામે તો કોની જવાબદારી? તેમ કહી માતા-પિતાને ગાળો ભાંડી હતી અને પિતાને માર માર્યો હતો. જેથી માતા વચ્ચે પડતાં બંને પુત્રોએ ચૂલામાં પડેલા સળગતા લાકડા લઇ માતા- પિતા ઉપર તૂટી પડ્યા હતા. જેથી માતા બેભાન થઈ નીચે ફસડાઈ પડી હતી. જ્યારે પિતાને પણ ઢોરમાર માર્યો હતો. માતા-પિતાને ઢોર મારી બંને કપાતર પુત્રો દવાખાને લઇ જવાને બદલે ફરાર થઇ ગયા હતા. બંને ઘાયલ પતિ-પત્નીની હાલત પાડોશીઓથી ન જોવાતા તેમણે 108ને જાણ કરી હતી. 108એ ઘટનાસ્થળે પહોંચીને બંને ઇજાગ્રસ્ત દંપતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગઇ હતી. જ્યાં પત્ની સુમિત્રાબેનને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યાં હતાં. જ્યારે પતિ જાનુભાઈ હાલ સારવાર હેઠળ છે. જેમણે હોસ્પિટલના બિછાનેથી બંને કપાતર પુત્રો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

કપાતર પુત્રોની આ કરતૂતથી સમગ્ર વાંસદા પંથકમાં તેમના ઉપર ફિટકારની લાગણી વરસી છે. લાડકોડથી ઉછરેલા પુત્રો જ્યારે માતા-પિતા સાથે આવો ક્રૂરતાભર્યો વ્યવહાર કરે ત્યારે માનવતા અને પરિવારવાદની ભાવના શર્મસાર થાય છે.