1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:15 IST)

રાજકોટમાં પિતાવિહોણી પુત્રીને ભાભુ -પિતરાઈ બહેન ચીપિયાથી હોઠ ખેંચી ડામ આપતા, જમવાનું ન આપી ઢોરમાર મારતા

શહેરના ઉપલાકાંઠા વિસ્તારના કનકનગરમાં મોટા બાપુના ઘરે રહેતી પિતાવિહોણી 24 વર્ષની યુવતી પર તેના  ભાભુ અને પિતરાઈ બહેને અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. યુવતીને જમવાનું અપાતું નહોતું, તેના હોઠ ચીપિયાથી ખેંચવામાં આવતા હતા અને ડામ પણ દેવામાં આવ્યો હતો, જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને યુવતીને ત્રાસમાંથી મુક્ત કરાવી નારી સંરક્ષણગૃહમાં મોકલી આપી હતી.

પોલીસે યુવતીના ભાભુ અને પિતરાઈ બહેન સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. કનકનગરમાં રહેતી હેમાંગી રાજેશભાઇ ગરાછ (ઉં.વ.24)ને તેના ભાભુ સહિતનાં પરિવારજનો ત્રાસ આપતા હોવાની પાડોશમાં રહેતા કોઇ જાગ્રત નાગરિકે જાણ કરતાં 181ની ટીમ દોડી ગઇ, કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી ભોગ બનનાર યુવતી હેમાંગીને મળતાં જ હૃદયદ્રાવક ઘટના બહાર આવી હતી.

યુવતીએ કહ્યું હતું કે તેનાં માતાપિતાનાં વર્ષો પહેલાં છૂટાછેડા થઇ ગયા હોય, પોતે પિતા સાથે રહેતી હતી, કોરોનાની પ્રથમ લહેરમાં પિતાનું અવસાન થતાં મોટા બાપુના પરિવાર સાથે રહેતી હતી, ભાભુ અનસૂયા અને તેની પુત્રી શિવાની આખો દિવસ ઘરકામ કરાવતાં હતાં, બહાર જવા દેતાં નહોતાં અને ભૂખ લાગે તો જમવા પણ આપતાં નહોતાં, જમવાનું માગે ત્યારે ભાભુ અને પિતરાઇ બહેન મારકૂટ કરતા હતા, લોખંડના ચીપિયાથી હોઠ ખેંચતા હતા, સાણસીથી ડામ દેતા અને લોખંડની લોઢી પણ માથામાં ફટકારતા હતા.

સોમવારે સવારે પણ યુવતી ઘરની બહાર નીકળી ગઇ હતી અને થોડીવાર બાદ ઘરે પરત ફરતાં ભાભુ અને પિતરાઇ બહેને ઢોરમાર માર્યો હતો અને તે લોહીલુહાણ થઇ ગઇ હતી. યુવતીએ પોતે ભાભુના પરિવાર સાથે રહેવા ઇચ્છતી નહીં હોવાનું કહેતાં 181ની ટીમ હેમાંગીને થોરાળા પોલીસમથકે લઇ ગઇ હતી. યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે અનસૂયા અને તેની પુત્રી શિવાની સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. પોલીસે યુવતીને નારી સંરક્ષણગૃહમાં મોકલી આપી હતી.