બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શુક્રવાર, 11 ઑગસ્ટ 2023 (15:15 IST)

ચાંદખેડામાં ભાઈને મુકવા ગયેલી યુવતીની છેડતી કરી ત્રણ યુવકોએ ભાઈ પર હૂમલો કર્યો, ચારેયની અટકાયત

- ઘર પાસે ઉભેલા ભાઈ બહેન પર ચાર શખ્સો ગંદીગાળો બોલીને તૂટી પડ્યા
- એક શખ્સે યુવતીને પકડવા જતાં કહ્યું આને દુકાનમાં લઈ લો, યુવતી ગભરાઈને ભાગી તો ચારેય જણાએ પીછો કર્યો
 
શહેરમાં મહિલા સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે. શહેરમાં હવે મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી રહી. શહેરમાં ભાઈને મુકવા ગયેલી યુવતીની છેડતી કર્યાનો બનાવ સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં ભાઈના ઘર પાસે ઉભેલી યુવતીને એક યુવકે અહીં કેમ ઉભા છો કરીને ગાળા ગાળી કરી હતી. ત્યાર બાદ યુવતીને પકડીને ખેંચી લીધી હતી. યુવતીને બચાવવા તેનો ભાઈ વચ્ચે પડતાં અન્ય ત્રણ યુવકોએ ભાઈ પર હૂમલો કર્યો હતો. આ ઘટનામાં યુવતીએ ચાર શખ્સો સામે ફરિયાદ કરતાં ચાંદખેડા પોલીસે ચારેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
એક શખ્સે ભાઈ બહેનને ગાળો બોલી
પ્રાપ્ત વિગતો પ્રમાણે યુવતીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા ધર્મના ભાઇ ભાવેશ મિસ્ત્રીના ઘરે હું અવાર નવાર આવતી જતી હોઉ છું. બે દિવસ પહેલાં રાત્રે હું મારા ઘરે હાજર હતી તે દરમ્યાન રાત્રીના સાડા બારેક વાગ્યાની આસપાસ મારા ભાઇ ભાવેશભાઇ મિસ્ત્રીનો બહાર નાસ્તો કરવા જવાનો ફોન આવતા હું મારુ એકટિવા લઇ પોણા એક વાગ્યાની આસપાસ ભાવેશના ઘરે ગઈ હતી. ત્યારબાદ અમે બન્ને મારુ એકટિવા લઇ ચાંદખેડા ચાર રસ્તા નાસ્તો કરવા ગયેલ અને ત્યાં નાસ્તો કરી દોઢેક વાગ્યાની આસપાસ હું ભાવેશભાઇને તેમના ઘર આગળ મુકવા ગઈ હતી. ત્યાં અમે બન્ને ઉભા હતા ત્યારે એક શખ્સ ઉભો હતો જે અમને જોઇને બુમ પાડતો હતો પરંતુ અમે તેની તરફ ધ્યાન આપ્યું નહોતુ.
 
ભાઈને મુકવા ગયેલી યુવતીની લાજ લેવાનો પ્રયાસ
ત્યાર બાદ તે તરત જ ગાળો બોલતો બોલતો અમારી પાસે આવ્યો હતો અને કહેવા લાગેલ કે તમે અહિ કેમ ઉભા છો તેમ કહેતા મે તેને જણાવેલ કે મારા ભાઇનું ઘર અહી છે હું તેને મુકવા આવી છું તેમ કહેતા આ શખ્સ ઉશકેરાઇ ગયો હતો અને કહેવા લાગેલ કે અહિ ઉભુ નહિ રહેવાનુ. આ શખ્સે એકદમથી પાછળથી આવી મારી લાજ લેવાના ઇરાદે મને ખભેથી પકડી ખેંચી લીધી હતી. જેથી મારો ભાઈ વચ્ચે આવી જતા આ શખ્સે તેનું ગળું પકડીને ગંદી અને બિભત્સ ગાળો બોલવા માંડ્યો હતો. આ વખતે બીજા ત્રણ શખ્સો પણ આવી ગયા હતાં. આ ચારેય લોકો ભેગા મળી મારા ભાઈને શરીરે માર મારવા લાગેલ અને આ ચારેય માંથી એક શખ્સ મને પકડવા આવેલ અને કહેવા લાગેલ કે આને દુકાનમા લઇલો જેથી હું ખુબ જ ગભરાઇ ગયેલ અને ત્યાંથી ચાંદખેડા ચાર રસ્તા તરફ ભાગી હતી. 
 
પોલીસે ચારની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી
ત્યારે મે પાછળ જોયું તો આ શખ્સ સહિત બીજા બે શખ્સો પણ મારી પાછળ મને પકડવા દોડ્યા હતાં અને તેઓ બુમો પાડતા હતા કે આને પકડી લો આને દુકાનની અંદર લઇલો આ સાંભળી હું વધુ ગભરાઇ ગઈ હતી. આ ત્રણેય ઇસમો મારી લાજ લેવાના ઇરાદે મારી પાછળ ચાંદખેડા ચાર રસ્તા સુધી આવી ગયા હતાં.  આ વખતે મે ત્યાં એક રાહદારીની મદદ લઇ તેમની એકટિવા ઉપર બેસી મારી સોસાયટીએ આવી ગઈ હતી.  પોલીસ સ્ટેશન ગયા બાદ યુવતીનો ભાઈ પણ ત્યાં આવી ગયો હતો અને તેણે જણાવ્યું હતું કે, હું પણ આ લોકોથી બચવા ઘરના આગળની બાજુ ભાગી ગયો હતો. ત્યારે આ ચારેય શખ્સોએ મારા ઘરની આગળ આવી મારા મારી કરી હતી અને  એકટિવાના આગળના ભાગને તોડી નાંખ્યો હતો. પોલીસે પારસ હરગોવિંદભાઇ સોલંકી, હિમાંશુ બળવંતરાય દવે ધનંજય હિતેન્દ્રભાઇ દવે, જ્યોતીન્દ્ર ઉમીયાશંકર દવેની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.