સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: સોમવાર, 23 ઑક્ટોબર 2023 (13:25 IST)

સુરતમાં આઠમના દિવસે જ બે ભાઈઓને ત્રણ શખ્સોએ રહેંસી નાંખ્યા

Two brothers were killed on the night of the Navratri Ashtami
Two brothers were killed on the night of the Navratri Ashtami
ગુજરાતમાં નવરાત્રિની આઠમના દિવસે જ સુરતમાં ખુની ખેલ ખેલાયો હતો. માત્ર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે ત્રણ શખ્સોએ બે ભાઈઓની છરી મારીને હત્યા કરી નાંખી હતી. ગરબા રમી રહેલા બે ભાઈઓને કેટલાક શખ્સોએ ગાડી હટાવી લેવાનું કહેતાં જ માથાકૂટ થઈ હતી અને જોતજોતામાં બંને ભાઈઓની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયાં હતાં. આ ઘટનામાં પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગઈકાલે આઠમની રાત્રે બે ભાઈઓની નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવતાં આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. આ પરિવાર મૂળ મહારાષ્ટ્રના બુલદાનાનો વતની છે અને વર્ષોથી સુરતમાં અમરોલી વિસ્તારના આવાસમાં રહે છે. આ ઘટનામાં મોટાભાઈને બચાવવા જતા નાનાભાઈની પણ હત્યા કરી દેવામાં આવી હતી. રાહુલ પીપળે સાથે કેટલાક યુવકો ઝઘડો કરતા હતા ત્યારે આ દરમિયાન તેનો નાનો ભાઈ પ્રવીણ પણ વચ્ચે પડ્યો હતો અને મોટાભાઈ સાથે ઝઘડો કરનાર યુવકો સાથે માથાકૂટ કરી હતી. જેને લઈ હુમલાખોરોએ છરી વડે બંને સગા ભાઈ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા.

નજીવી બાબતે બે સગા ભાઈની ડબલ મર્ડરની ઘટના બનતા અમરોલી પોલીસ દોડતી થઈ ગઈ હતી. મોડીરાત્રે જ ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના બાબતે નિવેદનો લેવાનાં શરૂ કરાયાં હતાં. જેમાં મૃતકનાં પરિવારજનોએ જે માહિતી આપી હતી તેના આધારે પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.