બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2024 (14:26 IST)

અમદાવાદની મહિલાને સાસરિયાએ કહ્યું, તું અમારા ઘર માટે પનોતી છે, તારા શરીરમાં ભૂત છે

અમદાવાદમાં રહેતી પરિણીતાને સસરાએ પોતાનો પુત્ર પંજાબ પોલીસમાં છે કહીને તેની સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં જતાં જાણવા મળ્યું હતું કે તેનો પતિ કાંઇ કરતો નથી. પતિ સહિત સાસરિયાએ પરિણીતાને તારે નોકરાણી તરીકે રહેવું હોય તો રહે તેમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પાંચ લાખ રૂપિયા દહેજની માંગણી કરી હતી. તું અમારા ઘર માટે પનોતી છે, તારા શરીરમાં ભૂતનો સાયો છે’ તેમ કહીને તાંત્રિક વિધિઓ પણ કરાવતા હતાં. જે અંગે પરિણીતાએ ફરિયાદ કરતાં પોલીસે ફરીયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

પરિણીતાએ આ બાબતે જ્યારે તેના સાસરી પક્ષના લોકો સાથે વાતચીત કરી ત્યારે તેઓ એકદમ ઉશ્કેરાઇ ગયા હતાં. તેના પતિએ તેને બીભત્સ ગાળો બોલીને ગડદાપાટુનો માર માર્યો હતો. તેના સાસરિયા તેને કહેતા હતાં કે તું અમારા ઘરની વહુ તરીકે નહી પણ નોકરાણી તરીકે આવેલી છે. નોકરાણી તરીકે રહેવું હોય તો રહે નહીં તો તને ઘરમાંથી કાઢી મુકીશું. પરિણીતાએ દીકરાને જન્મ આપ્યા બાદ પણ તેના સાસરિયા તેને ત્રાસ આપતાં હતાં. અને તેનો પતિ તેને કહેવા લાગ્યો હતો કે આ દીકરો મારો નથી, કોઇ બીજા વ્યક્તિના સહવાસથી જન્મેલો છે. તેના સાસરિયા તેને કહેતા હતા કે, જો તારે આ ઘરમાં રહેવું હોય તો તારા બાપને કહી દેજે કે રૂપિયા પાંચ લાખ અહિંયા આવીને આપી જાય, તેમજ તેના ચારિત્ર્ય વિશે ખોટી વાતો ફેલાવતા હતાં. તું અમારા ઘર માટે પનોતી છે, તારા શરીરમાં ભૂત પ્રેતનો સાયો છે, જેના કારણે આ ઘર બરબાદ થઇ જશે. તે જ્યારથી આ ધરમાં પગ મુક્યો છે. ત્યારથી આ ઘરની સુખશાંતિ છીનવાઇ ગઇ છે. તેમ કહીને જુદા જુદા તાંત્રિકો ઘરમાં લાવીને તાંત્રિક વિધિઓ કરાવતા હતાં. પરિણીતાને બે ટાઇમ સરખુ જમવા પણ આપતા ન હતાં.તેના પતિએ ધમકી આપી હતી કે તારા બાપે જે કરી લેવું હોય તે કરી લો, પોલીસને તો હું ખિસ્સામાં લઇને ફરું છું, અને ભરણ પોષણ માટે ફરિયાદ કરવી હોય તો તે પણ કરી લે હું એકપણ રૂપિયો નહિં આપું. અને જો છુટાછેડા લેવા હોય તો તારા બાપને કહી દેજે કે પાંચ લાખ રૂપિયા આપી દે તો જ હું છુટાછેડા આપીશ અને પૈસા લીધા વગર પાછી આવી છે તો જીવતી સળગાવી મારી નાંખીશ. જેથી પરિણીતા તેના પિયર રહેવા માટે આવી ગઇ હતી. જે બાબતની જાણ પરિણીતાએ પોલીસને કરતા પોલીસએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે.