1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2023 (14:00 IST)

બિપરજોય વાવાઝોડુ આવતી કાલે સાંજે 4થી 8 વાગ્યા સુધીમાં કચ્છમાં જખૌ આસપાસ ટકરાવાની સંભાવના

cyclone update
cyclone update
વાવાઝોડુ એટલું પ્રચંડ બન્યું છે કે, તેની આંખની આસપાસના વિસ્તારોમાં વધુ અસર થઈ શકે છે
 
8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું
 
ગાંધીનગરઃ ગુજરાતમાં  બિપરજોય વાવાઝોડુ હવે વધુ પ્રચંડ બન્યું છે. ત્યારે આવતી કાલે સાંજે ચારથી આઠ વાગ્યા સુધીમાં કચ્છ પાસેથી વાવાઝોડુ પસાર થવાનું છે. વાવાઝોડુ પસાર થવાનુ હોવાથી 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 જૂને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડુ એટલું પ્રચંડ બન્યું છે કે, તેની આંખની આસપાસના વિસ્તારોમાં વધુ અસર થઈ શકે છે. 
 
હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન્સની સુવિધા તૈયાર
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને લઈને NDRF અને SDRFની ટીમ એલર્ટ કરી દેવાઈ છે. તે ઉપરાંત સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી છે. કોસ્ટલ એરિયાના જવાનો પણ ખડે પગે છે. જ્યારે વાવાઝોડા અને પુર જેવી આપદામાં મોબાઈલ અને ઈન્ટરનેટની સેવા ખોરવાઈ જાય ત્યારે હેમ રેડિયો અને સેટેલાઈટ ફોન્સની સુવિધા તૈયાર રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 47 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 
 
વાવાઝોડા પર IMDનું નિવેદન સામે આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, હાલ વાવાઝોડું જખૌથી 280 કિમી દૂર છે. જે ગુજરાતથી રાજસ્થાન તરફ આગળ વધશે. સાંજે 4થી 8 વાગ્યા વચ્ચે લેન્ડફોલ થશે. વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છમાં જોવા મળશે. હાલ વાવાઝોડુ 6 કલાકથી ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. જેના કારણે કચ્છ, મોરબી, દ્વારકામાં ભારે પવન ફૂંકાશે. બિપરજોય હવે જખૌ અને કરાંચી વચ્ચે ટકરાશે. રાજકોટમાં બે દિવસ વેપાર ધંધા બંધ કરવાની સુચના અપાઈ છે. જેના કારણે દૈનિક રૂ.1000 કરોડથી વધુના કામકાજ ઠપ્પ થઈ જશે. 
 
47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.રાહત કમિશનર આલોક પાંડેએ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે,રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે.
 
NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત
અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4462, કચ્છમાં 17739, જામનગરમાં 8542, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 1936 અને રાજકોટમાં 4497 મળી કુલ 47113 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 2, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે.