1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું બિપરજોય
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2023 (13:04 IST)

ટેલિફોન, મોબાઇલ કે અન્ય સાધનો કામ કરે નહીં એવી આપત્તિ સમયે આશીર્વાદરૂપ હેમ રેડિયોની સાત ટીમ ગુજરાતમાં સતર્ક

ham radio
ham radio
પૂર-વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ ભારે તબાહી મચાવે છે ત્યારે એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલવો ય મુશ્કેલ બની જાય છે.આ સંજોગોમાં હેમ રેડિયો આર્શીવાદરૂપ સાબિત થાય છે. બિપોરજોય વાવાઝોડુ ગુજરાતને દસતક આપી રહ્યુ છે ત્યારે પણ હેમ રેડિયોની મદદ લેવામાં આવી રહી છે. કચ્છ સહિત અન્ય સંભવિત જિલ્લાઓમાં ય હેમરેડિયો સાથેની સાત ટીમોએ મોરચો સંભાળી લીધો છે.એન્ટેના અને ૧૨ વોટની બેટરીથી રાહત બચાવ માટે વાતચીત ફોટા અને પત્ર મોકલવા શક્યવાવાઝોડુ આવે કે પૂર, સુનામી આવે કે પછી ભૂકંપ, કુદરતી આપદામાં બધુય તહસનહસ થઇ જાય છે ત્યારે સંદેશા વ્યવહાર ઠપ થઇ જાય છે. આ પરિસ્થિતી  વચ્ચે સેટેલાઇટ ફોન કે ઇન્ટરનેટ કામ આવતા નથી. બલ્કે હેમ રડિયો એ સંકટ સમયની સાંકળ સાબિત થાય છે.

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્સ્ટિટયુટ ઓફ  એમેચ્યોર રેડિયોના જોઇન્ટ સેક્રેટરી પ્રવિણ વલેરાએ જણાવ્યું કે, કુદરતી આફતોમાં હેમ રેડિયોથી સરળતાથી એક સ્થળેથી બીજા સ્થળે સંદેશો મોકલી શકાય છે.  માત્ર એક એન્ટેના અને ૧૨ વોલ્ટની બેટરી હોય તો હેમ રેડિયોના માધ્યમથી વિશ્વના કોઇપણ ખૂણે સંદેશો મોંકલી શકાય છે. હવે તો હેમ રેડિયોથી માત્ર  વાતચીત જ નહી, પણ ઇન્ટર વિના પણ ફોટો કે વર્ડ ફાઇલ પણ મોકલી શકાય છે. રેડિયો મોડમ કનેક્ટિવીટીથી ફોટા- પત્ર મોકલી શકાય છે.

બિપોરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઇ શકે છે તે જોતાં આખીય સરકાર-તંત્ર ખડેપગે છે. કોઇ જાનહાની ન થાય તે માટે પુરજોરથી તૈયારીઓ કરાઇ છે. વાયુસેનાથી માંડીને આર્મીને ય સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જરૂર પડે તો બીએસએફની ય સહાયતા લેવા નક્કી કરાયુ છે. આ સ્થિતી વચ્ચે ગુજરાતમાં કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના જીલ્લાઓમાં હેમ રેડિયોની સાત ટીમોએ મોરચો સંભાળી લીધો છે. ત્રણ સભ્યોની ટીમો હેમ રેડિયો સહિતના સાધનો સાથે સજ્જ છે. એક ટીમ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં તૈનાત છે. અહીથી સમગ્ર ટીમો સાથે સંકલન કરીને સંદેશો વ્યવહાર થાય તે રીતે આખીય કામગીરી શરૂ કરાઇ છે. હવે વાવાઝોડુ ત્રાટકે ત્યારે કયાં વધુ નુકશાન થયુ, કયા સ્થળે લોકોને મદદની જરૂર છે, જે તે સ્થળે તેવી સ્થિતી છે. આ બધીય વિગતો મેળવીને સ્ટેટ ઇમરજન્સી સેન્ટરને સંદેશો મોકલી શકાય તેવી હેમ રેડિયો ટીમે વ્યવસ્થા કરી છે. વાવાઝોડા તબાહી મચાવે અને સંદેશો વ્યવહાર પણ ન થઇ શકે તેવા સંજોગોમાં હેમ રેડયોની મહત્વની ભૂમિકા હોય છે.