ભાઈ...પાકો મિત્ર કોને કહીંશું ?

જનકસિંહ ઝાલા|

P.R
''મારે તો એક પણ નથી'' જો કોઈ વ્યક્તિ એમ કહી રહ્યો હોય તો સમજી લેવું કે, તે પોતાના જીવનના એક મહત્વપૂર્ણ અંગને ચૂકી રહ્યો છે. પાકા મિત્રો વગરનું આ જીવન તો ગરમ ભભૂકતા કોલસાઓ પર ઉઘાડા પગે ચાલવા જેવું છે.

મેં કેટલાયના મુખે સાંભળ્યું છે કે, ''મારે તો આગળીના વેઠે ગણાય એટલા જ મિત્રો છે તો કેટલાય એવું પણ કહેતા ફરે છે કે, હું નામ લઈ લઈને થાકી જઈશ અને તમે સાંભળતા સાંભળતા થાકી જશો એટલી લાંબી મારા મિત્રોની યાદી છે.''

ખેર, જો તમે આ દ્રિતીય શ્રેણીના લોકોમાં આવતા હોય તો સમજી લો કે તમે દુનિયાના સૌથી નસીબવાન વ્યક્તિ છો. તમે કંઈક ખાસ છો.'' અહીં એક વાત જરૂર નોંધવા જેવી છે કે, તમારા મતે પાકા મિત્રની પરિભાષા શું છે.
કેટલાક લોકો પાસે અસંખ્ય મિત્રો તો હોય છે પરંતુ તેમાંથી પાકા મિત્રનો ટ્રેડમાર્ક કોને આપવો તે તેઓ સ્વયં પણ નક્કી કરી શકતા નથી. પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, પાકો મિત્ર કહેવો તો કોને કહેવો ?

શું તમે તમારો પાકો મિત્ર એ વ્યક્તિને કહેશો જે હંમેશા તમારી પાછળ ગુંદરની જેમ ચોટેલો રહે ? પોતાનો અમૂલ્ય સમય તમારી પાછળ ખર્ચ કરતો રહે ? જો તમારા ઘરનું એકાદ નળિયું પણ તુટી ગયું હોય તો તે ખુદ ઉપર ચડીને તેને ફીટ કરી દે, કે પછી એને પાકો મિત્ર કહેશો, જે આખા અઠવાડિયા દરમિયાન પોતાના કામમાં વ્યસ્ત રહે અને જ્યારે પણ તમે તેને મળવા માટે બોલાવો ત્યારે તે ન આવવાનું કોઈને કોઈ બહાનુ શોધતો રહે. કે પછી એવા મિત્રોને પાકા મિત્રો કહીશો જે તમારા ઘરનું નળિયું ફીટ થઈ ગયાં બાદ તમારી પાસે આવીને કહે કે, '' યાર મને પહેલા કહેવું જોઈતું હતું ને જો ખબર હોત તો હું જ નળિયું ફીટ કરી દેત વાધો નહીં હવે જો બીજી વખત ઘરનું નળિયું તુટે તો સૌથી પહેલા મને કહેજે.''
શું તમે એવા વ્યક્તિને તે પાકો નહીં કહોને જેઓનો ચહેરો તમારે દરરોજ ન ઈચ્છવા છતાં તમારા ઓફિસના બોસની માફક જોવો પડતો હોય અને તેઓના દાનવો જેવા વર્તનનો ભોગ બનવું પડતું હોય. એવા મિત્રોને તો તમે પાકા મિત્રો નહીં ગણતા હોયને જે પાર્ટીઓમાં અચૂક તમારી પાસે ઉભા રહે, બે-ત્રણ દિવસે તમને ફોન કરતા રહે, સલાહ-સૂચનો આપતા રહે, ઓફિસમાંથી છુટ્યાં બાદ તમે જ્યાં સુધી ઘરે ન પહોંચો ત્યાં સુધી આખા રસ્તે દેશમાં પ્રવર્તતી આર્થિક મંદીની વાતો કર્યા કરે, પેટ્રોલે રૂપિયા બે અને ડીઝલમાં રૂપિયા 1 નો વધારો થયો છે તે વારંવાર યાદ દેવડાવીને તમારુ ટેન્શન વધારતા રહે, તમારે કયાં કલરનો શર્ટ પહેરવો જોઈએ અને કેવા કલરનો નહીં એ અંગેની વણજોઈતી ટિપ્પણીઓ કરતા રહે. એવું કડવું સત્ય જે તમે સાંભળવા ઈચ્છતા ન હોય તેમ છતાં પણ તમારા કાનમાં આગળી નાખીને પોતાના મુખેથી ઓકતા રહે.
ભાઈસાહેબ તમે એવા મિત્રોને તો પાકા મિત્રો નથી ગણતા કે, જે તમને જોઈને રસ્તો બદલી નાખે છે. જે તમને ઓફિસનું એરકૂલર સમજે છે, એક એવું એરકૂલર જેની સામે જોવાનો પણ તેની પાસે ટાઈમ નથી.

મારી વાતો સાંભળ્યાં વાત તમે ચોક્કસ મુંઝાયા છો, કદાચ તમે હવે નક્કી કરી શકતા નથી કે, આખરે તમારા અઢળક મિત્રોમાંથી તમારે પાકો મિત્ર ગણવો તો કોને ગણવો ? મેં સાચું કહ્યું ને ? ચાલો હું તમને એક જ વાક્યમાં જણાવી દઉ છું કે, પાકો મિત્ર કોણ ?
'' જીવનના સુખ-દુ:ખના રસ્તે સાથે ચાલનારા તો અંસખ્ય મળે છે પરંતુ જે વ્યક્તિ છેક સુધી પોતાના પગના નિશાન તમારા હ્રદયમાં છોડીને જતો રહે'' મારા મતે તો એ જ પાકો મિત્ર.


આ પણ વાંચો :