'ગુજરાતની જમીનો લૂંટો તેને અમે વિકાસનું નામ આપીશું' - આપનો કટાક્ષ

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (11:55 IST)

P.R
ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીની ઝાડુ યાત્રાના સમાપનમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. જેમાં આપના અગ્રણીઓએ કહ્યું હતું કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં મોટા ઉદ્યોગોને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે, 'ગુજરાતની જમીનો લૂંટો અને તેને અમે આપીશું' તે સાથે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત કરવાનું અને આમ આદમી માટે કામ કરવા માટે પણ કાર્યકરોને આહ્વાન કરાયું હતું. ભાજપને નોંધ લેવી પડે તે રીતે આપની યાત્રામાં રાજયભરમાંથી સેંકડોની સંખ્યામાં લોકો વાહનો સાથે ઉમટી પડયા હતા અને ગાંધીનગર ગજવી દીધું હતું.

રાજયના ૨૬ લોકસભા મત વિસ્તારમાં ૨૬ જાન્યુઆરીથી શરૂ થયેલી આમ આદમી પાર્ટીની ઝાડુ યાત્રાનું ગાંધીનગરમાં પાસે સમાપન થયું હતું. આ યાત્રા વિધાનસભા મતવિસ્તારોમાં પણ ફરી હતી. તે દરમિયાન મહિલાઓ અને યુવાનો સહિત જંગી સંખ્યામાં લોકો આપમાં જોડાયા હતા. તે પછી કોબા ખાતે બધી યાત્રા એકત્ર થઇ હતી અને ગ-૪ મહાત્મા મંદિર પાસે પહોંચી હતી. જયાં આપના સંયોજકે કહ્યું હતું કે, રાજયભરમાંથી અહીં જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં બાઇક, ટેમ્પો અને કાર સહિતના વાહનમાં ઉમટી પડયા છે અને વર્તમાન સરકાર સામે કદાચ પહેલી જ વખત આટલી મોટી સંખ્યામાં ગાંધીનગરમાં શાંત પ્રદર્શન થયું છે. તેના કારણે ગુજરાતમાં નવું નેતૃત્વ ઉભરી રહ્યું છે તે સ્પષ્ટ થઇ ગયું છે.
તેમણે કાર્યકરોને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે, અહીં જે મહાત્મા મંદિર છે ત્યાં રોજ ગાંધી વિચારોની હત્યા થાય છે. લાલ જાજમ બિછાવીને મોટા મોટા ઉદ્યોગ ગૃહોને બોલાવવામાં આવે છે. તેમને રાજય સરકાર દ્વારા એમ કહેવામાં આવે છે કે, અહીં આવો અને ગુજરાતની જમીનો લૂંટો. એટલું જ નહીં ગુજરાતની વનસંપદા, ખનીજ, પાણી અને ગૌચરની પણ લૂંટ ચલાવવા આમંત્રણ પાઠવવામાં આવે છે. સરકાર તેને વિકાસનું નામ આપે છે પણ ખરેખર સાચા વિકાસના બદલે ગુજરાતના વિનાશની યોજનાઓ ઘડાય છે. શાસ્ત્રોમાં પરનિંદા, આત્મશ્લાઘા અને મિથ્યા વચન એ ત્રણ મહાપાપ ગણવામાં આવ્યા છે પરંતુ આ ત્રણેનું ગાંધીનગરમાં ભરપૂર આચરણ કરવામાં આવે છે.
સંગઠકે કાર્યકરોને અપીલ કરતા તેમણે કહ્યું હતું કે, આપ દ્વારા ગુજરાતને બચાવવાની કામગીરી શરૂ કરવાની છે અને લોકસભાની ચૂંટણીમાં તેનો જવાબ આપવાનો વખત આવી ગયો છે. ભ્રામક પ્રચારથી મોટો થયલો ફુગ્ગો હવે ફૂટવાની તૈયારીમાં છે.


આ પણ વાંચો :