માત્ર વીઆઇપી સામે જ ચુંટણી લડનારો ભાયડોઃ નરેન્દ્ર મોદી સામે લડશેઃ 159મી વખત કરશે ઉમેદવારી

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 3 એપ્રિલ 2014 (11:45 IST)

P.R
રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પદના ઉમેદવારો, મુખ્યમંત્રી પદના ઉમેદવારો કેન્દ્રીય મંત્રીઓ તેમજ ફિલ્મસ્ટારો સામે માત્ર વીઆઇપી ચુંટણી લડનારા તામિલનાડુના ડો.કે.પદ્મરાજને આજે વડોદરા લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. વડોદરામાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લડવાના હોવાથી આજે પ્રથમ દિવસેજ તેમણે ઉમેદવારીપત્ર ભરી વડોદરા લોકસભા બેઠકમાં ચુંટણી લડનારા ઉમેદવારોમાં ખાતુ ખોલ્યુ હતું.

તામિલનાડુ રાજ્યના સેલમ જિલ્લાના મેત્તુર નગરમાં રહેતા ડો. કે. પદ્મરાજન ગઇકાલે વડોદરા આવ્યા હતા અને આજે સરકારી કચેરીઓ શરૃ થતાની સાથેજ વડોદરામાં રહેતા એક ટેકેદાર સાથે તેઓ ક્લેક્ટર કચેરીમાં આવ્યા હતા અને લોકસભા ચુંટણી માટેનું ફોર્મ મેળવીને તેમણે ક્લેક્ટર કચેરીમાંજ ફોર્મ ભરી દીધુ હતુ અને જિલ્લા ચુંટણી અધિકારી સમક્ષ બપોરના એક વાગે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીપત્ર રજુ કરતી વખતે તેમણે રૃા.પણ ભરી હતી તેમજ સોંગદનામું પણ રજુ કર્યુ હતું.
કન્નડ તેમજ તમિલ અને અંગ્રેજી ભાષાજ જાણતા તેમજ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ડો. કે. પદ્મરાજને વડોદરા લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોધાવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ હતુ કે વર્ષ-૧૯૮૮થી વિવિધ ચુંટણીઓમાં ઝંપલાવવાનું શરૃ કર્યા બાદ આજે ૧૫૯મી ચુંટણી છે જેમાં પોતે ઉમેદવારી નોંધાવી છે. આ પુર્વે તા.૨૯ માર્ચના રોજ તામિલનાડુમાં ધર્મપુરી ખાતે ઉમેદવારીપત્ર ભર્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે પોતે ગુજરાતમાં પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી રહ્યા છે. આવી રીતે દરેક ચુંટણીમાં ઉમેદવારી નોંધાવવા પોછળનો હેતુ માત્ર પોતે રેકોર્ડ બનાવવા માંગે છે. તેમણે કહ્યુ હતુ કે અત્યાર સુધી વિવિધ ચુંટણીઓમાં ઝંપલાવી તેમજ ડિપોઝીટો ગુમાવીને આશરે રૃા.૧૨ લાખનો ખર્ચ પોતે કરી નાંખ્યો છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ-૨૦૦૩માં મોસ્ટ અનસક્સેસફુલ કેન્ડીડેટનો લિમ્કા બુકમાં તેમનો રેકોર્ડ નોધાયેલો છે જ્યારે વર્ષ-૨૦૦૪માં ચુંટણીઓમાં સૌથી વધુ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવાર તરીકે ગીનીઝ બુકમાં રેકોર્ડ તેમના નામે નોંધાયો છે. હોમીયોપેથી તબીબ તરીકે પ્રેક્ટીસ કરતા તેમજ ટાયર રીટ્રેડીંગના વ્યવસાય સાથે જોડાયેલા ડો.કે. પદ્મરાજન સૌપ્રથમ વર્ષ-૧૯૮૮માં મેત્તુર ખાતે ચુંટણીમાં ઝંપલાવ્યુ હતુ ત્યારબાદ ચુંટણીઓ લડવાનો સીલસીલો ચાલુ રહ્યો છે. તેઓ રાષ્ટ્રપતિ પદ માટે પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટીલ, એપીજે અબ્દુલકલામ તેમજ કે.આર.નારાયણન સામે તેમજ ઉપરાષ્ટ્રપતિપદની ચુંટણીમાં મોહમદ હામીદ અન્સારી, કૃષ્ણનાથ, ભૈરોસિંહ શેખાવત તેમજ વડાપ્રધાનપદના ઉમેદવાર મનમોહનસિંહ, અટલબિહારી વાજપાઇ, નરસિંહરાવ, મુખ્યમંત્રી પદના ઉમેદવારો જયલલીતા, કરુણાનીધિ તેમજ ફિલ્મસ્ટારો હેમામાલિની સહિત અનેક ઉમેદવારો સામે ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિપદ માટે ૪ વખત, ઉપરાષ્ટ્રપતિપદ માટે ૪ વખત, લોકસભાની ચુંટણીમાં ૨૫, રાજ્યસભાની ચુંટણીમાં ૩૨, વિધાનસભાની ચુંટણીમાં ૪૮, મેયરની ચુંટણીમાં ૧, પંચાયત બોર્ડ પ્રમુખ માટે ૧, કાઉન્સીલરમાં ૧૧ તેમજ વોર્ડ મેમ્બરમાં ૩ વખત ચુંટણીજંગમાં ઝંપલાવ્યુ છે.


આ પણ વાંચો :