ચૂંટણી પ્રચારમાં ભાજપના કેસરિયા હેલ્મેટે વિશેષ આકર્ષણ જગાવ્યું
વિધાનસભાની ચૂંટણી પ્રચાર ભાજપે પાર્ટીના સિમ્બોલ અને નામ સાથેની પ્રચાર સામગ્રીને ઉતારી છે. કિ-ચેઈન, બોલપેન, હેલ્મેટ, બ્રોચ, ટોપી સહિતની વસ્તુનું જોરદાર વેંચાણ થઈ રહ્યું છે. ભાજપની ચૂંટણી પ્રચારની સામગ્રીમાં હેલ્મેટનું સૌથી વધુ આકર્ષણ ઉભું થયું છે. ભાજપના કેસરિયા કલર સાથેની આ વસ્તુઓ મોટાભાગે જે તે બેઠકના ઉમેદવાર ખરીદી લ્યે છે. બાદમાં તેના કાર્યકરોને વિતરણ માટે સોંપે છે. કાર્યકરો પ્રચાર માટે ડોર ટુ ડોર જાય ત્યારે લોકોમાં વિતરણ કરે છે. ભાજપની પ્રચાર સામગ્રીમાં હેલ્મેટે વિશેષ આકર્ષણ જગાવ્યું છે. સામાન્ય રીતે હેલ્મેટ રૂ.૫૦૦ થી ૧,૦૦૦ની કિંમતમાં મળતી હોય છે. તેના બદલે ભાજપે તૈયાર કરાવેલી હેલ્મેટ માત્ર રૂ.૧૫૦માં મળે છે.
તેના કારણે કાર્યકરોમાં તેનું આકર્ષણ વધુ રહ્યું છે. હેલ્મેટ પર હું છું વિકાસ, હું છું ગુજરાત સ્લોગન પેઈન્ટ કરેલું છે. જ્યારે કેસરી કલરની ટોપી પર કમળ અને ભાજપ લખેલું છે. ભાજપે આ ચૂંટણી માટે કુલ મળીને ૩૦ જેટલી જુદી જુદી વસ્તુ તૈયાર કરાવડાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માસ્ક માત્ર રૂ.૬માં મળે છે. આ માસ્ક પહેર્યા પછી બે ઘડી માટે નરેન્દ્ર મોદી સામે આવ્યા હોય તેવો ભાસ ચોક્કસપણે થાય છે. તેના કારણે મોદીના ચાહક કાર્યકરોમાં મોદી માસ્કનું પણ આકર્ષણ રહે છે.