મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 21 નવેમ્બર 2017 (15:06 IST)

ચૂંટણીના કારણે બુક કરાવેલ અતિથિ ગૃહ રદ્દ થતા પરિવારોના પ્રસંગો અટવાયા

વડોદરા મહાનગર પાલિકા દ્વારા તેઓના તમામ અતિથિગૃહના બુકીંગ ચૂંટણીના કારણે રદ્દ કરતા અનેક પરિવારોના ઘરના શુભ પ્રસંગો અટવાઈ ગયા છે. અંતિમ સમયે બુકીંગ રદ્દ કર્યાનો મેસેજ મળતા લોકો પાલિકાની ઓફિસે પહોંચી હોબાળો મચાવ્યો હતો.  શહેરના પાલિકા હસ્તક અતિથિ ગૃહના બુકીંગ લગ્નસરાની સીઝનમાં ચાર મહિના અગાઉ થઈ ગયા હતા. બુકીંગ કરાવનાર પરિવારે લગ્નની કંકોત્રી પણ છપાવી અને મહેમાનોને આમંત્રણ પણ પાઠવી દીધા બાદ પાલિકા એ તમામ અતિથિગૃહના બુકીંગ ચૂંટણીના કારણે રદ્દ કરતા અનેક પરિવારો અટવાઈ ગયા હતા.

ડિસેમ્બર માસમાં વડોદરાનું ઇન્દ્રપુરી અતિથિ ગૃહ બુક કરાવનાર પ્રમોદ મોરે એ જણાવ્યું હતું કે ડિસેમ્બર ની 16 તારીખ માટે અમે ઇન્દ્રપુરી અતિથિગૃહ બુક કરાવ્યું હતું. જેના રૂપિયા પણ ચાર મહિના પહેલા પાલિકા કચેરીમાં ભરી દીધા હતા. ઘરમાં દીકરીના લગ્ન માટે કંકોત્રી પણ છપાવી સાગા સંબંધીઓને આપી દેવામાં આવી છે. હવે અંતિમ સમયે પાલિકા દ્વારા અતિથિ ગૃહ રદ્દ કર્યા નો મેસેજ આપતા અમારો લગ્ન પ્રસંગ અટવાઈ જવા પામ્યો છે. અંતિમ સમયમાં અન્ય કોઈ હૉલ કે પાર્ટી પ્લોટ બુક કરાવવું શક્ય નથી અને આવા સંજોગોમાં લગ્ન પ્રસંગ પાછળ ઠેલાવવાનો વારો આવ્યો છે. પાલિકાના અધિકારીઓ દ્વારા આજે બુકીંગ રૂપિયા પાછા લઈ જવા આજે જણાવવામાં આવ્યું છે. આ મામલે પાલિકાના અધિકારી એ જણાવ્યું હતું કે ચૂંટણીની કામગીરી માટે પાલિકાના તમામ અતિથિ ગૃહને ચૂંટણી કામગીરીમાં ઉપયોગમાં લેવાના હોય તેથી ઉપલા અધિકારીઓના આદેશથી તમામ બુકીંગ રદ્દ કરવા જણાવ્યું છે. બંદોબસ્તમાં આવેલ CRPF અને રેપીડ એક્શન ફોર્સના જવાનો તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા પોલીસ સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા કરવાની હોવાથી બુકીંગ રદ્દ કરવામાં આવ્યા છે.