બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 9 ડિસેમ્બર 2017 (11:39 IST)

પ્રથમ તબક્કામાં રાજકોટ, સુરત સહિતના વિસ્તારોમાં ઈવીએમ મશીન ખોટકાયા

વિધાનસભાની પ્રથમ તબક્કાનુ મતદાન શરૂ થઇ ગયું છે, તો બીજીબાજુ કેટલાક સેન્ટરો પર ઇવીએમ મશીનો બંધ થતા દોડધામ મચી જવા પામી હતી, મતદાન શરૂ થતા જ અડધો કલાકમાં મશીનમાં ખામી સર્જાઇ હતી, તો વહેલી સવારે મતદાન કરવા આવેલા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.રાજકોટમાં ટાગોર વિદ્યાલય ખાતે મતદાન મથકમાં મશીન બંધ થયાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ દ્વારા સેન્ટર પર ઇવીએમ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન કરવા આવેલા લોકોની લાંબી લાઇનો હતી,

જેમાં ઈવીએમ બંધ થતા હાલાકી પડી હતી. તો ઇવીએમ બંધ થતા ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી હતી.વહેલી સવારથી શરૂ થયેલા મતદાનમાં સૌરાષ્ટ્રમાં પણ અનેક સ્થળો પર ઇવીએમ બંધ થયાની ફરિયાદો ઉઠી હતી, જેમાં જામકંડોરણામાં મશીનો બંધ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, તો બૂથ અધિકારી દ્વારા ઝડપથી મશીન બદલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ સુરતમાં  કાપોદરામાં આવેલી નગરપ્રાથમિક શાળામાં ઈવીએમમાં ખામી સર્જાઈ હતી. મતદારો આઠ વાગ્યાથી લાઈનો લગાવી ઉભા હતા. જોકે, એક કલાક સુધી ઈવીએમ શરૂ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સુરતમાં ઘણા મતદાન મથકો પર ઈવીએમમાં ખામી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાથી તંત્ર દોડતું થઈ ગયું હતું. અને ખામીવાળા ઈવીએમ બદલવાની કામગીરી ગાથ ધરવામાં આવી છે.