ગોંડલમાં હાર્દિકના રોડ શોમાં કોંગ્રેસના કાર્યકરો જોડાતાં વિવાદ
પાસ કન્વિનર હાર્દિક પટેલનો મંગળવારે ગોંડલ પંથકમાં રોડ શો યોજાયો હતો. જેમાં ગોંડલના કોલિથડ, અનિડા, મોવિયા, મોટી ખીલોરી, દેરડી, સુલતાનપુર વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં રોડ શો તેમજ ગોંડલના મોવિયા ગામે હાર્દિક પટેલે સુપ્રસિદ્ધ સંત હદ્તપરી બાપુની જગ્યાના દર્શન કર્યા હતા. ગોંડલના ગામડાઓમાં ઠેર ઠેર હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. ગોંડલ જયરાજસિંહનો ગઢ માનવામાં આવે છે. ત્યારે હાર્દિકના રોડ શોમાં ગોંડલના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન ખાટરીયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા. આથી હાર્દિકની સાથે જોડાયેલા અર્જુન ખાટરીયા અને કોંગ્રેસના કાર્યકરોને લઇને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
ગોંડલમાં યોજાયેલા હાર્દિક પટેલના રોડ શોમાં તેણે જણાવ્યું હતું કે, ખેડૂતને ભાવો નથી મળતા, લોકો પરિવર્તન માંગે છે. આપણે તે ભારતીય જનતા પાર્ટીમાં હતા જ્યાં કેશુભાઈ હતા, પાર્ટી હતી, જેમાં જેતપુરના સવજીભાઈ હતા. કાશીરામ રાણા હતા, અટલ બિહારી બાજપાઇ હતા, આપણે અમિત શાહ જેવાની પાર્ટીમાં નથી. હાર્દિકનો રોડ શો ગોંડલ શહેરમાં પ્રવેશવાની મંજૂરી ન હોવાથી બાયપાસથી નીકળી ગયો હતો.