જય શાહ કેસમાં સાત આરોપીઓ સામે સમન્સ જારી કરાયા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહે મેટ્રોપોલિટન કોર્ટમાં ધ વાયર વેબ પોર્ટલના પત્રકાર રોહિણી સિંહ અને પોર્ટલના સંચાલકો સહિત સાત જણા સામે કરેલી બદનક્ષીની ફરિયાદમાં આજે કોર્ટે તેઓ સામે સમન્સ જારી કર્યા છે અને ૧૩મી નવેમ્બરે કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.કે.ગઢવીની કોર્ટ સમક્ષ આજે બપોર બાદ જય શાહ તેમના બે મિત્રો જયમીન શાહ અને રાજીવ શાહ સાથે કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમના વતી સિનિયર એડવોકેટ એસ.વી.રાજુએ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોર્ટે ફરિયાદી જય શાહ તથા તેમના બન્ને મિત્રોના સાક્ષી તરીકે નિવેદનો નોંધ્યા હતા. બન્ને વેપારીઓ છે અને નવરંગપુરા વિસ્તારમાં રહે છે અને વિવાદીત લેખ તેમણે વોટ્સએપ પર મળ્યો હતો અને જય શાહને જાણકારી આપી હતી. લેખથી જય શાહની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાનું અનુભવ્યું હતુંં સિનિયર એડવોકેટ એસ.વી.રાજુએ રજૂઆત કરતા જણાવ્યું હતું કેે ફરિયાદીને તા.૬-૧૦-૧૭ ના રોજ રાતે એક વાગે ઇ-મેઇલ પર દસ પ્રશ્નો મોકલી ૧૨ કલાકમાં જવાબ નહીં અપાયો તો લેખ છાપવામાં આવશે તેવી ધમકી આપી હતી. લેખ પ્રસિધ્ધ થયા બાદ ફરિયાદીએ તેની સામે વાંધો લેતાં અને કાનૂની કાર્યવાહીની ધમકી આપતા વેબ પોર્ટલના જવાબદાર સંચાલકોએ રાતોરાત લેખ બદલી નાખ્યો હતો. જય શાહની ટેમ્પલ એન્ટરપ્રાઇઝ પ્રા.લિ. કંપની અને તેના ધંધામાં ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા પછી અણધાર્યો ઉછાળો જોવા મળ્યો છે અને કંપનીનું ટર્ન ઓવર એક જ વર્ષમાં રૃા.૫૦ હજાર થી રૃા.૮૦ કરોડ સુધી પહોંચી ગયું હોવાની પ્રસિધ્ધ કરેલી વિગતો અધૂરી અને ગેરમાર્ગે દોરનારી અને બદનામી કરનારી છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આ લેખ પ્રસિધ્ધ કરવા પાછળ કોઇ શુભનિષ્ઠા રહેલી નથી. તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઇને બદઇરાદે લેખ પ્રસિધ્ધ કર્યો છે અને ચૂંટણીમાં મુદ્દો ઉછાળવાના આશયથી પ્રસિધ્ધ કર્યો છે. આરોપીઓ સામે પ્રથમ દર્શીય કેસ બનતો હોવાથી કસની કાર્યવાહી કરવી જોઇએ. મેજિસ્ટ્રેટે એસ.કે.ગઢવીએ આ કેેસમા ધ વાયર ન્યૂઝ વેબ પોર્ટલ પર લેખ લખનાર પત્રકાર રોહિણીસિંહ, પોર્ટલના ફાઉન્ડિંગ એડિટર સિધ્ધાર્થ વરદરાજન, સિધ્ધાર્થ ભાટીયા, એમ.કે. વેણુ, મેનેજિંગ એડિટર મોનોબીના ગુપ્તા અને પબ્લિક એડિટર પોમેલા ફિલિપોઝ સામે સમન્સ જારી કર્યા છે અને ૧૩મી નવેમ્બરે હાજર રહેવા ફરમાવ્યું છે. ગોલ્ડન ટચ ઑફ જય શાહના શીર્ષક સાથે વેબ પોર્ટલ પર પ્રસિધ્ધ થયેલા લેખ અંગે જય શાહે ફોજદારી ફરિયાદી ઉપરાંત દિવાની રાહે રૃા.૧૦૦ કરોડનો દાવો પણ દિવાની કોર્ટમાં માંડયો છે. કોંગ્રેસે આ લેખના સંદર્ભમાં અમિત શાહને પક્ષમાંથી દૂર કરવા અને ન્યાયિક તપાસની પણ માગણી કરી છે.