મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2017 (13:25 IST)

૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પંચાયતોને ટાર્ગેટ કરવા ભાજપે રણનિતી ઘડી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ગ્રામ્ય વિસ્તારો પર કબજો મેળવવા ભાજપે અત્યારથી કમર કસી છે જેના ભાગરૃપે કોંગ્રેસ શાસિત નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ભાજપના મંત્રીઓથી માંડીને પ્રભારી,સ્થાનિક આગેવાનો પંચાયતોને તોડવા કામે લાગ્યાં છે. આ કારણોસર હવે કોંગ્રેસ શાસિત નગરપાલિકા,પચાયતોમાં અવિશ્વાસની દરખાસ્તો થવા માંડી છે.

થોડાક દિવસો પહેલાં જ કોંગ્રેસ શાસિત પાટણ નગરપાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઇ હતી તે વખતે સભ્યનો રૃા.૧૦ લાખ ભાવ બોલાયો હતો. જોકે, ભાજપને સફળતા મળી શકી ન હતી. અત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહેસાણા નગરપાલિકા પર નજર છે. કોંગ્રેસમાં ફાટફુટ પડાવી નગરપાલિકાને કબજે કરવા ભાજપ તનતોડ મહેનત કરી રહ્યું છે. આ ઉપરાંત દહેગામ તાલુકા પંચાયત , અમદાવાદ જીલ્લા પંચાયતને કબજે કરવા પણ ભાજપના અંદરખાને પ્રયાસો ચાલી રહ્યા છે. દાહોદ પંચાયતને તોડવાનો પ્રયાસ કરાયો પણ  ભાજપને અહીં સફળતા મળી નથી. મહેસાણા જીલ્લા પંચાયત ,જામનગર જીલ્લા પંચાયત ,રાજકોટ જીલ્લા પંચાયત, સાબરકાંઠા જિલ્લા પંચાયત , દાહોદ જિલ્લા પંચાયત ભાજપના ટાર્ગેટ પર છે. શામ,દામ, દડભેદની નિતી અપનાવી ભાજપ કોઇપણ ભોગે કોંગ્રેસ શાસિત પંચાયતો પર કબજો જમાવા માંગે છે. એટલે જ ડીડીઓથી માંડીને અન્ય અધિકારીઓને જરૃરી સૂચના આપી દેવાઇ છે. વિકાસના કોઇપણ કામોમાં અડચણ ઉભી કરીને વિવાદ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને આમંત્રણ સુધ્ધાં આપવામાં આવતાં નથી. કોંગ્રેસ શાસિત પાલિકા,પંચાયતો કબજે કરીને ભાજપ વિધાનસભાની ચૂંટણી પહેલા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રભુત્વ જમાવવા માંગે છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસે પંચાયતો પર કબજો મેળવી ગ્રામ્ય વિસ્તારોમાં દબદબો જમાવ્યો છે. જે ભાજપને ખૂંચે છે. ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે પંચાયતોને ટાર્ગેટ કરવા ભાજપે રણનિતી ઘડી છે.