ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (15:52 IST)

કોંગ્રેસમાં ૧૪ સિટીંગ ધારાસભ્યો વિરૃધ્ધ રોષ ભભૂક્યો, ૪૪ બેઠકો પર ઉમેદવાર પસંદગી અઘરી બની

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસે ચૂંટણી મેદાને ઉતારવા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. સોમવારે અમદાવાદમાં સ્ક્રીનીંગ કમિટીની બેઠક મળી હતી. આજે સ્ક્રિનીંગ કમિટીની ફરી બેઠક મળશે જેમાં બે-ત્રણ નામોની પેનલો બનાવાશે. જોકે. ૪૪ બેઠકો એવી છે કે જયાં ઉમેદવારની પસંદગી કરવી ઘણી અઘરી બની છે.  બે દિવસમાં જ દક્ષિણ ગુજરાતની બેઠકોની પેનલોને આખરી ઓપ અપાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રની ૫૮ બેઠકોની સ્ક્રુટીની કરી પેનલો તૈયાર થઇ ચૂકી છે. ત્રીજા તબક્કામાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં દાવેદારોની પેનલો તૈયાર કરવામાં આવશે . દિવાળી બાદ ૨૫-૨૬મીએ સ્ક્રિનીગ કમિટીની બેઠક મળે તેવા અણસાર છે. પ્રથમ તબક્કામાં ૪૪ સિટીંગ ધારાસભ્યોને આવરી લઇને કુલ મળીને ૭૨ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર થાય તેમ છે.જયાં સર્વસંમતિ સધાઇ છે તે બેઠકોના ઉમેદવારની પણ પ્રથમ યાદીમાં સમાવેશ કરાશે. હાલમાં ૪૪ બેઠકો એવી છે જયાં નવા રાજકીય સમીકરણોને લીધે કોંગ્રેસની ટીકીટ મેળવવા દાવેદારોની સંખ્યા વધુ છે જેથી દાવેદારોને બોર્ડ નિગમોને સ્થાન આપવાની લાલચ આપીને બેસાડવા પ્રયાસો થઇ રહ્યાં છે. આ બેઠકો પર ઉમેદવાર પસંદ કરવો કોંગ્રેસના નેતાઓ માટે પણ માથાનો દુખાવો બન્યો છે.ટિકીટની વહેંચણી બાદ કોંગ્રેસમાં ભડકો થાય તેવા ભયથી અત્યારથી ડેમેજ કંટ્રોલ કરવા કવાયત કરવામાં આવી રહી છે. ૧૪ સિટીંગ ધારાસભ્યો વિરૃધ્ધ રોષ ભભૂક્યો અહેમદ પટેલને જીતાડવામાં અહમ ભૂમિકા ભજવનારાં વર્તમાન કોંગ્રેસી ધારાસભ્યોને રિપીટ કરી પુઃન ટિકીટ આપવામાં આવશે. જોકે, ૪૪ ધારાસભ્યો પૈકી ૧૪ ધારાસભ્યો સામે મતવિસ્તારમાં સ્થાનિક નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. આ કારણોસર કોંગ્રેસની નેતાગીરી પણ મૂંઝવણમાં મૂકાઇ છે. અત્યારે તો ડેમેજ કંટ્રોલ કરવા કોંગ્રેસના આગેવાનો અસંતુષ્ટોને મનાવવા કામે લાગી ચૂક્યા છે. જોકે, ચારેક ધારાસભ્યોએ તો સંતાનો,જમાઇને ટિકીટ આપવા માંગ કરી છે.