શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (13:33 IST)

ગુજરાતમાં વિકાસ થયો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો ના આવ્યો હોત - કોંગ્રેસ

કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાતમાં 22 વર્ષમાં વિકાસ કર્યો હોત તો ૨,૭૧૮ ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો ના હોત. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખેડૂતોની સરેરાશ માસિક આવકમાં દેશમાં ૧૨મો ક્રમ ધરાવતાં ગુજરાતમાં ખેડૂતોની માત્ર રૂ. ૭૯૨૬ માસિક આવક સામે ૪૨.૬ ટકા ખેડૂતોને પરિવાર દીઠ રૂપિયા ૧૬.૭૪ લાખનું દેવું છે. ક્રાંતિ નામની સંસ્થાને રાજ્યનાં પોલીસ મહાનિર્દેશકે આર.ટી.આઈ.માં આપેલી વિગતો પ્રમાણે તા. ૧-૧-૨૦૦૩થી તા. ૩૦-૧૦-૨૦૦૭ દરમિયાન રાજ્યનાં ૨૪૭૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે તા. ૧-૧-૨૦૦૮થી તા. ૧૮-૮-૨૦૧૨ દરમિયાન ૧૫૨ અને તા. ૧-૧-૨૦૧૩ થી તા. ૧-૬-૨૦૧૬ દરમિયાન ૮૭ ખેડૂતોએ ભાજપ સરકારની ખેડૂત અને કૃષિ વિરોધી નીતિનાં કારણે આર્થિક ભીંસમાં જીવનલીલા સંકેલવી પડી છે. જો મોદી શાસનમાં વિકાસ જ થયો હોત તો ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક માત્ર રૂ. ૭,૯૨૬ જ કેમ છે?   લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં બણગાં ફૂંકનાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં પછી છેલ્લાં બે વર્ષમાં ગુજરાતનાં ખેડૂતોની કુલ આવકમાં રૂ. ૩,૩૪૫ કરોડનો ઘટાડો થયો છે. એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને પાક તૈયાર કરવાનાં કુલ ખર્ચ ઉપરાંત ૫૦ ટકા નફા સાથે ટેકાનો ભાવ આપવાનું જણાવનાર નરેન્દ્ર મોદીએ આ પ્રમાણે ટેકાનાં ભાવ વધાર્યા હોત તો એકાદ રાજ્યનું પણ ઉદાહરણ બતાવે. સુજલામ્ સુફલામ યોજના અને તાડપત્રીમાં થયેલા ભ્રષ્ટાચારનાં અહેવાલ પણ વિધાનસભામાં નહીં મુકવા દેનાર વડાપ્રધાન પોતે જ જાણે છે કે, સુજલામ્ સુફલામ યોજનાથી ખેડૂતોને કે મળતીયાઓને કેટલો લાભ થયો છે.