મંગળવાર, 25 માર્ચ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (11:18 IST)

આગામી ૨૬ મી સપ્‍ટેમ્‍બરે ગાંધીનગર ખાતે પાટીદાર અગ્રણીઓ અને આંદોલનના કન્‍વીનરો સાથે બેઠક યોજાશે.

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ છે કે,પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પાટીદાર આંદોલન સંદર્ભે યોગ્‍ય નિરાકરણ લાવવા રાજય સરકારને રજુઆત કરી હતી. તે સંદર્ભે રાજય સરકાર આગામી ૨૬ મી સપ્‍ટેમ્‍બર ૨૦૧૭ ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે સમાજના અગ્રણીઓ અને પાટીદાર આંદોલનના કન્‍વીનરો મળી કુલ-૧૦૦ થી વધુ અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરશે.

નાયબ મુખ્‍યમંત્રીએ ઉમેર્યુ કે, પાટીદાર આંદોલનના કન્‍વીનરો દ્વારા સમાજની વિવિધ સંસ્‍થાઓના  અગ્રણીઓને રૂબરૂ મળી આંદોલનનું યોગ્‍ય નિરાકરણ લાવવા સમાજના અગ્રણીઓ સરકાર સાથે વાટાઘાટ કરે અને સમાજના અગ્રણીઓને ધ્યાનમાં રાખી જે માંગણી કરાઇ હતી તે અંગે યોગ્ય નિરાકરણ આવે તે હેતુથી માન્ય સંસ્થાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા રાજય સરકારને રજુઆત કરાતા આ બેઠક યોજવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્‍યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી તથા અન્‍ય સીનીયર આગેવાનો ઉપસ્‍થિત રહી ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લાવવા પ્રયાસો હાથ ધરાશે.  તેમણે ઉમેર્યુ હતુ ૨૬ મી સપ્‍ટેમ્‍બર ના રોજ યોજનાર આ બેઠક માટે પાટીદાર સમાજની ૬ જેટલી સંસ્‍થાઓ ઉમીયા માતા ટ્રસ્‍ટ-ઉંઝા, ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ, રાજકોટ ઉમીયા માતા મંદિર, સિદસર, સમસ્‍ત પાટીદાર સમાજ-સુરત, શ્રી સરદાર ધામ-અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ અને આંદોલનકારી સંસ્થાના હોદ્દેદારોને આમંત્રણ અપાશે. આ બેઠકમાં સમાજ દ્વારા જે માંગણીઓના મુદ્દા રજુ કરાયા હતા તે અંગે ચર્ચા-વિચારણા કરાશે.