ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 13 નવેમ્બર 2017 (11:42 IST)

વડોદરામાં પ્રજાપતિ સમાજને પરચુરણ કહેવું મુખ્યમંત્રી રૂપાણીને ભારે પડ્યું

પ્રજાપતિ સમાજ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીને મળવા માટે એક પ્રતિનિધિ મંડળ ગયું હતું અને પ્રજાપતિ સમાજમાંથી ઉમેદવારી આપવામાં આવે તેવી મંગણી કરી હતી. તે સમયે મુખ્યમંત્રીએ પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેતા અગ્રણીઓ ચોકી ઉઠયાં હતા અને આજે તેના વિરોધમાં વડોદરા ખાતે મુખ્યમંત્રીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 10 તારીખે સુરતમાં મહેસાણા જિલ્લાના પ્રજાપતિ સમાજના અગ્રણી ડાહ્યાભાઈ પ્રજાપતિ સહિત સમાજના અન્ય આગેવાનો મુખ્યમંત્રી ને મળવા પહોંચ્યા હતા.

જ્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાપતિ સમાજ માંથી ઉમેદવારી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. રજૂઆત સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી સમાજ ના પ્રતિનિધિ મંડળ સામે જ 'પ્રજાપતિ સમાજ તો પરચુરણ સમાજ છે ' તેમ બોલી ઉઠયાં હતા. આ વાત સાંભળી અને અગ્રણીઓ ચોંકી ઉઠ્યા હતા. સમાજ વિરોધી નિવેદનની વાત ધીમે ધીમે સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં ફેલાઈ હતી. જેના ભાગરૂપે આજે વડોદરાના સમાં વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. પ્રજાપતિ સમાજના યુવકો એ ભેગા મળી અને મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યો હતો. મુખ્યમંત્રીના પૂતળાનું દાહન પણ કર્યું હતું. જ્યારે પોલીસે 6 જેટલા યુવકો ની અટકાયત કરી હતી.