શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 ઑક્ટોબર 2017 (16:53 IST)

વડોદરામાં બેરોજગાર યુવાનો સાથે નોકરીના નામે ક્રુર મજાક

સોશ્યલ મીડિયા પર વહેતા થતા ખોટા સંદેશાઓ ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.આજે આવા જ એક કિસ્સામાં અટકચાળા તત્વોએ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી માટેના ઈન્ટરવ્યૂના બોગસ મેસેજ ફરતા કરીને સેંકડો બેરોજગાર યુવાનોની ક્રૂર મજાક ઉડાવી હતી. તરસાલી આઈટીઆઈમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીના ઈન્ટરવ્યૂ તા.૨૯ ઓક્ટોબરે યોજાવાના છે

તેવા મેસેજ છેલ્લા કેટલાક દિવસથી વહેતા થયા હતા.ગત સપ્તાહે આ બાબત આઈટીઆઈ સત્તાધીશોના ધ્યાનમાં પણ આવી હતી. તેમણે આઈટીઆઈમાં આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન કરવામાં આવ્યુ નથી તેવી નોટિસો પણ લગાડી હતી.સ્ટાફને પણ એલર્ટ કર્યો હતો અને સોશ્યલ મીડિયામાં શક્ય હોય તેટલી સ્પષ્ટતા કરવા માટે જણાવ્યું હતુ.આમ છતા આજે યુવાનોના ટોળે ટોળા સવારથી આઈટીઆઈ ખાતે જમા થઈ ગયા હતા.આઈટીઆઈના પ્લેસમેન્ટ ઈન્ચાર્જ ડી પી ગુર્જરનુ કહેવુ હતુ કે બપોર સુધીમાં ૮૦૦ જેટલા યુવાનો ઈન્ટરવ્યૂના મેસેજના કારણે આઈટીઆઈ ખાતે ધક્કો ખાઈને ગયા હતા.ખરેખર તો સંસ્થા દ્વારા આવા કોઈ ઈન્ટરવ્યૂનુ આયોજન થાય છે ત્યારે ચોક્કસ ફોર્મેટમાં તેની જાહેરાત આપવામાં આવે છે.કોઈએ વિકૃત આનંદ મેળવવા માટે કે આઈટીઆઈને બદનામ કરવા માટે આવા મેસેજ વહેતા કર્યા હોવાનુ લાગે છે.ભવિષ્યમાં પણ જો આવા મેસેજ ફરતા થાય તો ઉમેદવારોએ પહેલા આઈટીઆઈનો સંપર્ક કરીને ખાત્રી કરવી હિતાવહ છે.