ગુજરાતમાં ભાજપની હાલત કફોડી હોવાનો રિપોર્ટ વડાપ્રધાનને અપાયો
તાજેતરમાં ભાજપે કાઢેલી નર્મદા ઉજવણી યાત્રા નિષ્ફળ નિવડયા બાદ હવે ફરીથી ગૌરવ યાત્રાને પણ ખૂબ જ નબળો પ્રતિસાદ મળતા ભાજપનાં સ્થાનિક નેતાઓ ચિંતાતુર બન્યા છે. ઉપરાંત પાટીદારો સાથે હજુ પરિણામલક્ષી સમાધાન થયું નથી તો બીજી બાજુ દલિતોએ પણ મોરચો ખોલી દેતાં ભાજપ સરકાર ભીંસમાં આવી છે. આ ઊભી થયેલી સમગ્ર પરિસ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રીપોર્ટ અપાયો છે કે, ગુજરાતમાં ભાજપની સ્થિતિ અત્યંત કફોડી છે. રાજકીય સૂત્રો જણાવે છે કે, માજી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનાં શાસનકાળ દરમિયાન શરૃ થયેલી મુશ્કેલી હવે ભાજપ અને સરકાર માટે માથાનો દુખાવો બની ગઇ છે. વડાપ્રધાનને અપાયેલા રીપોર્ટમાં કહેવાયું છે કે, અગાઉ બાદ હવે ફરીથી ગૌરવ યાત્રા કાઢવા છતાં ભાજપ માટે જોઇએ તેવો માહોલ બનતો નથી. યાત્રામાં પહેલાની સરખામણીમાં લોકોની ભીડ નોંધપાત્ર રીતે ઓછી દેખાઇ રહી છે. જો આવી જ સ્થિતિ રહી તો ૧૫ ઓકટોબર સુધી ગૌરવ યાત્રાને કેવી રીતે ચાલુ રાખવી તે મોટો પ્રશ્ન બની જશે. ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સમગ્ર ગુજરાતમાં આવન-જાવન વધી છે. તેઓ જાહેર સભા - રોડ શો કરી રહ્યા છે. આમ છતાં ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ સર્જી શકાતું નથી. ઉપરાંત પાટીદાર આગેવાનો અને પાસના નેતાઓ સાથે સરકારે ફરીથી મીટીંગ કરી હતી. આમ છતાં હજુ પાટીદારોએ આંદોલન પાછું ખેંચ્યું નથી. પરિણામલક્ષી જાહેરાત કોઇ પક્ષ તરફથી થતી નથી. પાટીદાર ઉપરાંત દલિતોએ પણ બીજી બાજુથી મોરચો ખોલી દીધો છે. આગામી દિવસોમાં આ બન્ને પરિબળો ભાજપ માટે મહત્વના સાબિત થવાના છે. તેમની ભૂમિકા યથાવત્ રહેશે તો ભાજપની મુશ્કેલીઓ ચોક્કસપણે વધશે.