રાજકોટમાં મંજુરી વિના સભા કરવા બદલ ચૂંટણી અધિકારીએ પોલીસ ફરિયાદ કરી
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજકોટના નાનમૌવા સર્કલ પાસે મહાક્રાંતિ સભા યોજી હતી,તેની આ સભામાં જંગી જનમેદની ઉમટી પડતાં ભાજપના નેતાઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. જેના સંદર્ભમાં આજે (શુક્રવારે) મંજૂરી વગર સભા યોજનાર હાર્દિક વિરૂદ્ધ ચૂંટણી અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે નાના મૌવા સર્કલ પેટ્રોલ પંપની બાજુમાં આરએમસીના ગ્રાઉન્ડમાં તુષાર ગોવિંદ નંદાણીએ વોર્ડ નં.8,9 અને 10માં રહેતા ભાઇ-બહેનોનું દિવાળી પછીનું સ્નેહમિલન રાખવાનું હોય અને સમાજના આગેવાન સંબોધન કરશે તેવી અરજી હેતુથી મહાક્રાંતિના બેનર હેઠળ મંજૂરી વગર ગેરકાયદેસર સભા યોજી, ગેરકાયદેસર મંડળીઓ બનાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યો છે. જેમાં તુષાર ગોવિંદ નંદાણી અને હાર્દિક પટેલના આરોપી તરીકે ફરિયાદમાં નામ છે.