શંકરસિંહ વાઘેલાના મતે ગુજરાતમાં એપ્રિલ પછી કોઈપણ સમયે વિધાનસભાનું વિસર્જન થઈ શકે છે
ગુજરાત વિધાનસભાનું આગમી 17 એપ્રિલ પછી ગમે ત્યારે વિસર્જન કરી દેવાશે. ચૂંટણી માટે 25 દિવસ જોઈએ. 17 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજારાતની મુલાકાતે આવી રહ્યાં છે. એ પછી મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિધાનસભાના વિસર્જન માટેનો નિર્ણય કરશે. તેવો અંદેશો વિધાનસભામાં વિપક્ષના નેતા, શંકરસિંહ વાધેલાએ વ્યક્ત કર્યો છે. આ સાથોસાથ 17મી એપ્રિલે જીએસટી બિલ પાસ કરવા માટે વિધાનસભાના વિશેષ સત્રને યોજવામાં આવ્યું હોવાની શક્યતા પણ બાપુએ વ્યક્ત કરી છે.
વિધાનસભાની ચૂંટણીઓ નિર્ધારિત સમય કરતા વહેલી યોજાશે એ અટકળો વચ્ચે પ્રદેશ કોંગ્રેસે તેના ઉમેદવારોની પસંદગી સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. એક તબક્કે મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ ચૂંટણી ગમે ત્યારે યોજાય, ગુજરાત ભાજપ તેના માટે તૈયાર છે એવી જાહેરાત કરી ચૂક્યા છે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં 150 પ્લસ બેઠકો પર વિજય મેળવવાના લક્ષ્યાંકને હસતા હસતા પાર કરવા ચૂંટણીમંત્ર કાર્યકરોની સભામાં આપ્યો હતો. જોકે તેમણે વહેલી ચૂંટણીની અટકળો વિશે કશું ખાસ કહ્યું નહોતું. આમછતાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શક તેમ માનીને ચાલી રહ્યાં છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં વિપક્ષી નેતાએ કહ્યું કે ભાજપ ભલે એવું કહે કે ચૂંટણી નિયત સમય પર જ થશે, પણ જે રીતે સરકારની કામગીરી ચાલી રહી છે, કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે એ જોતા વડાપ્રધાનની ગુજરાત મુલાકાત પછી ગમે ત્યારે વિધાનસભા ભંગ કરવાની જાહેરાત થઈ શકે છે. આ પછી 25 દિવસનો સમય ચૂંટણી પંચને ચૂંટણી યોજવા માટે જોઈતો હોય છે એટલો સમય છે. ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે 15 જૂનની આસપાસ બેસતું હોય છે. એ પહેલાં ચૂંટણી કાર્યવાહી પૂરી થઈ શકે છે. ભાજપે કાઢેલી આદિવાસી યાત્રાની ઝાટકણી કાઢતા શંકરસિંહ વાધેલાએ કહ્યું હતું કે 22 વર્ષે ભાજપે આદિવાસી વિકાસની યાત્રા કાઢી છે. સરકાર હવે 22વર્ષે આદિવાસીઓના હકની વાતો કરે છે હવે 22 વર્ષે તે આદિવાસી વિકાસ યાત્રાની વાતો કરે તે શોભતું નથી. જસ્ટીસ બીએમ શાહ તપાસ પંચના અહેવાલ વિશે તેમણે એમ પણ કહ્યું હતું કે જસ્ટીસ એમ. બી. શાહ કમિશનનો અહેવાલ માતૃભાષા ગુજરાતીમાં આપવાને બદલે માત્ર અંગ્રેજીમાં જ રજૂ કર્યો. નિયમ મુજબ 6 માતૃભાષામાં નકલ હોવી જોઈએ. જ્યારે એમ થયું નથી. તેની નકલ કાઢવાની પણ પરવાનગી નથી. સરકારે સોફ્ટ કોપી કે સીડી આપવી જોઈએ. કેન્દ્રમાં યુ.પી.એ.ની સરકાર વખતે કેગના અહેવાલોને આધારે કાગારોળ કરનાર ભાજપ સરકાર સભાગૃહમાં કેગના અહેવાલો છેલ્લા દિવસે રજૂ કરી, બેવડા વલણ અપનાવી રહી છે. બાપુએ કહ્યું હતું કે શાહ કમિશનના અહેવાલનો ટૂંકસાર પણ જે સરકારે મૂક્યો છે તે પણ છેતરામણો છે. સરકારે પોતાને અનુકૂળ લાગતા મુદ્દાઓનો જ ટૂંકસારમાં ઉમેરો કર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારે પોતાની છબી સુધારવા માટે ‘અમે શાહુકાર છીએ’ એવું બતાવવા માટે શાહ કમિશન ઉપર દબાણ લાવી વચગાળાનો અહેવાલ મૂકાવી દીધો હતો. હવે જ્યારે 2017ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પણ એ જ નાટક થઈ રહ્યું છે. પાંચ વર્ષ સુધી સરકાર ક્યાં ગઈ હતી ?