શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 14 નવેમ્બર 2017 (15:21 IST)

પ્રજાપતિ સમાજને પરચુરણ કહેતા રૂપાણી સામે રાજકોટ અને સુરતમાં વિરોધ

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાપતિ સમાજને પરચુરણ સમાજ કહેવાને લઈને પ્રજાપતિ સમાજ લાલઘૂમ થયો છે. સોમવારે રાત્રે  પ્રજાપતિ યુવકો દ્વારા કતારગામ વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી. આગેવાનો વગરની મશાલ રેલીમાં પાંખી હાજરી જોવા મળી હતી. બીજી તરફ મંગળવારે સવારે પુણા વિસ્તારમાં પ્રજાપતિ યુવક દ્વારા સીએમના ફોટો સાથેનું બેનર સળગાવવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજ દ્વારા સોમવારે ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં રૂપાણીના પૂતળાં દહનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં પ્રજાપતિઓની સંખ્યા વધુ હોય અહીં મશાલ રેલી યોજાઈ હતી. યુવકો દ્વારા રેલી યોજાયા બાદ બીજા દિવસે મંગળવારે સવારે પુણા વિસ્તારમાં પ્રજાપતિ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટો પર પરચુરણ લખીને પોસ્ટર સળગાવવામાં આવ્યું હતું. ભાજપનો હાલ રાજપૂત, પાટીદાર સહિતના સમાજ વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ વિરોધમાં પ્રજાપતિ સમાજ જોડાયો છે. જેમાં સુરતમાં રેલી નીકળે એ અગાઉ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લેતા આગેવાનો જોડાયા નહોતાં.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રજાપતિ સમાજને પરચૂરણ સમાજ કહેતા રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે પ્રજાપતિ સમાજની લાગણી દુભાવનાર મુખ્યમંત્રી સામે વિરોધ વ્યક્ત કરવા માટે શહેરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ સહિત સમાજના લોકો દ્વારા મવડી ચોકડી પાસે આશ્ચર્યજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ સમાજના લોકો શહેરમાં આવેલા મવડી ચોકડી પાસે વિરોધ કરવા એકત્રિત થયા હતા. આ સાથે પોલીસ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પહોંચી ગઇ હતી.