સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 23 ડિસેમ્બર 2017 (09:53 IST)

રૂપાણી અને નીતિન પટેલ સામે હવે આ પડકારો આંખો ફાડીને ઉભા છે.

આખરે ગુજરાતના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના પદે બંને નેતાઓનું પુનરાવર્તન થયું છે. ત્યારે ગત પાંચ વર્ષમાં ભાજપે અનેક પડકારો સહન કરીને સરકાર ચલાવી છે. તત્કાલિન મુખ્યપ્રધાન મોદી બાદ આનંદીબેન અને વિજય રૂપાણી એમ છેલ્લાં ત્રણ વર્ષમાં ગુજરાતે બે સીએમ બદલાતાં જોયા છે. પણ હવે પુનરાવર્તન થયું છે. ત્યારે આ બંને નેતાઓની જોડી સામે હવે અનેક પડકારો છે. જેમાં સૌથી મોટો પડકાર 2019માં આવી રહેલી લોકસભા ચૂંટણી છે.  આ વખતે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ફટકો પડ્યો છે.

મંત્રીમંડળમાં બેલેન્સ જાળવવાનો પણ સરકાર સામે પડકાર છે. આ વખતે ખેડૂતોની નારાજગી ભાજપને બરાબરની નડી છે. સૌરાષ્ટ્રમાં પક્ષને ઘણું નુક્સાન વેઠવું પડ્યું છે. ખેડૂતોના મુખ્ય પ્રશ્નોમાં મગફળી અને કપાસના ટેકાના ભાવ છે. ભાજપે લોકસભા ચૂંટણી વખતે ખેડૂતોને જે ટેકાના ભાવ આપવાનું વચન આપ્યું હતું તેટલો ભાવ ન આપતા ખેડૂતો ખફા છે. સાથે જ પાકવીમાના પ્રશ્નો પણ ખેડૂતોને કનડી રહ્યા છે. ખેડૂતોની નારાજગી 2019માં ન નડે તે માટે સરકારે ઘણી મહેનત કરવી પડશે. હાર્દિકે પોતાનું આંદોલન ચાલુ રાખવાની જાહેરાત ચૂંટણીના પરિણામ આવ્યા તે સાથે જ કરી દીધી હતી. બીજી તરફ, તેના બે સાથી અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી હવે વિધાનસભામાં પહોંચી ચૂક્યા છે, અને કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા પણ ગૃહમાં છેલ્લા 22 વર્ષની ટોચની સપાટીએ પહોંચી છે, ત્યારે વિધાનસભામાં પણ સરકારે વિપક્ષના પ્રહારોનો સામનો કરવો પડશે.

શહેરી વિસ્તારોમાં ભાજપને આ વખતે ખોબેખોબા ભરીને મત મળ્યા છે. જોકે, એ યાદ રાખવું પણ જરુરી છે કે, ‘વિકાસ ગાંડો થયો છે’ જેવા  સુત્રો વરસાદમાં ધોવાઈ ગયેલા અમદાવાદના રસ્તાઓ પરથી જ શરુ થયા હતા. અમદાવાદમાં રસ્તાની ક્વોલિટી, મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂરું કરવાનો પણ સરકાર સામે પડકાર છે. આ ઉપરાંત, વધતી ગુનાખોરી, ટ્રાફિકની વકરેલી સમસ્યા પણ શહેરોની સમસ્યા વધારી રહી છે. વિકાસને મુદ્દો બનાવી ભાજપે ચૂંટણીના જંગની શરુઆત કરી હતી.  વિકાસની જ વાત કરીએ તો, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી વિકાસ જોઈએ તેટલા પ્રમાણમાં પહોંચ્યો નથી. શિક્ષણથી લઈને પાયાની સુવિધાઓ ગામડાં સુધી પહોંચાડવા માટે સરકારે હજુ પણ ઘણી મહેનત કરવાની રહેશે.

ગુજરાતની ચૂંટણીમાં આ વખતે એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની વધી રહેલી બોલબાલાની પણ ખાસ્સી ચર્ચા થઈ હતી. કોંગ્રેસે આ મામલે ભાજપ પર પ્રહારો કરવાની કોઈ તક નહોતી છોડી. રાહુલ ગાંધી પોતાના દરેક ભાષણમાં કહેતા હતા કે, લાખો રુપિયા ફી ભરીને પણ ગુજરાતના યુવાનોને નોકરી નથી મળી રહી, ગરીબોને સારવાર નથી મળતી. ત્યારે, આ મ્હેણું ભાંગવા અને યુવાનોને નોકરીની તકો પૂરી પાડવાનો મોટો પડકાર સરકારની સામે છે