મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા સીટ
Written By
Last Modified: શુક્રવાર, 18 નવેમ્બર 2022 (14:38 IST)

Saurashtra-Kutch Seat - રાષ્ટ્ર-કચ્છની 54માંથી 16 બેઠક પર પટેલ V/s પટેલ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ ખેલાશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન આડે 12 દિવસ જ બાકી હોય તમામ ઉમેદવારો પ્રજા પાસે મત માગી જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દરેક રાજકીય પાર્ટીઓ માટે સૌરાષ્ટ્ર રાજકારણનું એપી સેન્ટર રહ્યું છે અને તેમાં પણ પાટીદાર સમાજ કોની સાથે રહેશે તે દરેક રાજકીય પાર્ટી માટે કોયડો બન્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને AAPએ પાટીદારો પર ફોકસ કરીને પાટીદાર ઉમેદવાર જ ઉતાર્યા છે. આ 16 બેઠક પર પાટીદાર સામે પાટીદાર વચ્ચે જંગ જામશે અને રસાકસીભર્યો જંગ ખેલાશે.

આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાને છે. સૌરાષ્ટ્રમાં દરેક રાજકીય પક્ષોની નજર પાટીદાર મતદારો પર રહેલી છે. વર્ષ 2017માં પાટીદાર મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી 30 બેઠક કોંગ્રેસને જ્યારે 23 બેઠક ભાજપને ફાળે ગઈ હતી. આ વખતે પાટીદારોને પોતાની સાથે રાખવા માટે દરેક રાજકીય પક્ષો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ વખતે 16 બેઠક એવી છે જેમાં ભાજપ-કોંગ્રેસ અથવા આપના પાટીદાર નેતાઓ આમને-સામને છે.આ બેઠકોમાં કેટલીક બેઠકો ખૂબ જ રસપ્રદ છે. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટિલાળાને મેદાને ઉતર્યા છે તો કોંગ્રેસે હિતેશ વોરા અને AAPએ શિવલાલ બારસિયાને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ વધારે હોવાથી પાટીદારોના મતો ત્રણેય પાર્ટીના ઉમેદવારોમાં ડિવાઇડ થઈ જશે. જ્યારે અન્ય જ્ઞાતિની મતો નિર્ણયાક સાબિત થઈ શકે છે. અમરેલી જિલ્લામાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે મજબૂત ઉમેદવાર તરીકે ભાજપ તરફથી કૌશિક વેકરિયા છે જે યુવા ચહેરો છે. જો કે પરેશ ધાનાણીનું વર્ચસ્વ વર્ષોથી હોવાથી અહીં પાટીદારો તેમના તરફ ઝૂકે છે કે નહીં તે પરિણામના દિવસે જ ખબર પડશે.