ઈકો ટુરિઝમનું સેન્ટર હોડકા ગામ

P.R

મ્હારો કચ્છડો હવે દેશ-વિદેશમાં ખ્યાતી પામી રહ્યો છે. સરકાર તરફથી કચ્છને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. રાજ્યમાં અંદાજે 31 ગામને ઈકો ટુરીઝમ માટે પસંદ કરવામાં આવ્યાં છે અને તેમાં કચ્છનું હોડાકા ગામ પણ પસંદ થયું છે. આ ગામને એક વિશિષ્ટ ગામ તરીકે જાણીતું કરવા માટે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે અહીંયા ત્રણ દિવસ માટે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. આમ કરવાનો હેતુએ છે કે ગુજરાતના પર્યટન સ્થળોનો વિકાસ કરી શકાય અને લોકો તે તરફ આકર્ષાય.

બેનુમન કલાગીરી....
આ ઉત્સવ દરમિયાન ત્યાં ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ઉપરાંત ત્યાંની સાસ્કૃતિક અને પરંપરાગત વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવે છે. જેથી કરીને બહારથી આવનારા પર્યટકો તેમની સંસ્કૃતિ અને ત્યાંની પારંપરિક વસ્તુઓથી જાણીતા થાય.
P.R

સરહદ જોવાનો અવસર...
ગામડાના લોકોની સંસ્કૃતિ, તેમના રિતરિવાજ અને તેમની રહેણીકરણી વિશે જાણવું હોય એવા ઉત્સુક લોકો માટે આ ખુબ જ સુંદર લ્હાવો બની રહે છે. ઈકો ટુરીઝમ માટે હોડકા ગામની પસંદગી એટલા માટે કરાઈ છે ત્યાંની ભૌગોલીક પરિસ્થિતિ ખુબ જ સુંદર છે વળી ભારતની છેલ્લી સરહદ તેની એકદમ નજીક છે અને કચ્છનો ઐતિહાસિક પણ તેની નજીક છે.

વિદેશી પક્ષીઓનો નજારો....
આ ઉપરાંત ત્યાં શિયાળાની અંદર સારસ, સાઈબિરીયન ક્રેન, ફ્લેમિંગો જેવા પક્ષીઓનું આગમન પણ થાય છે. તેથી આ બધી જ વસ્તુઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ હોવાથી આ ગામની પસંદગી કરવામાં આવી છે.

પર્યટકો માટે અનેરી વ્યવસ્થા....
કચ્છની કળા, લોકનૃત્ય, સંગીત, ભરતકામ વગેરે વસ્તુઓ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલાં પર્યટકો કચ્છમાં આવતાં તો તેમને ત્યાંના આંતરિયાળ ગામડાઓમાં ફરવામાં ઘણી મુશ્કેલી આવતી હતી પરંતુ આજે તેમના માટે ગુજરાત સરકાર તરફથી સુદંર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હોડકા ગામમાં રહેવા માટે પણ વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
P.R

ગામમાં સિમેન્ટનુ મકાન નથી....
હોડકા ગામમાં સિમેન્ટનું એક પણ મકાન નથી, પ્રવાસીઓ માટે ત્યાં વિશિષ્ટ પ્રકારના 'ભુંગા'(લીંપણવાળા ઘર) બનાવવામાં આવ્યાં છે. આ ઘરને પ્રાચીન અને પરંપરાગત વસ્તુઓથી શણગારવામાં આવ્યાં છે. અહીંયા રાત્રે ટ્રેડિશનલ અને સંગીતનો અનોખો દરબાર જામે છે.
વિસરાઇ જતી લોકનૃત્ય કળાને જીવંત રાખવા તથા લોકો તેનાથી જાણકાર થાય એ માટે અહી લોકનૃત્ય સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમને નૃત્ય, સંગીતની સાથોસાથ ગામડાનું સાચા અર્થમાં દ્રશ્ય જોવું હોય કે તેની સંસ્કૃતિ માણવી હોય તો આવા અનોખા ગામડાઓની મુલાકાત અવશ્ય લેવી જોઇએ....

કેવી રીતે પહોચી શકાય?

પારૂલ ચૌધરી|
આ ગામ ભુજથી માત્ર 62 કિ.મી. ના અંતરે આવેલું છે. તેથી તમે ખાનગી વાહન દ્વારા જઈ શકો છો. આ ઉપરાંત અમદાવાદ રેલ્વે દેશની બધી જ મોટી રેલ્વે લાઈનો સાથે જોડાયેલી છે તેથી અમદાવાદ પહોચીને તમે સરળતાથી બસ દ્વારા ભુજ પહોચી શકો છો. ભુજથી હોડકા જવા માટે પણ વાહનની વ્યવસ્થા છે.


આ પણ વાંચો :