શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (11:36 IST)

ગુજરાતમાં ચૂંટણી પહેલા ચાર દિવસમાં ભાજપના 11 કેન્દ્રીય મંત્રીઓ 24 વિધાનસભા બેઠકો ખૂંદશે

11 Union Ministers of BJP
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ પણ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાતમાં આંટાફેરા વધ્યા છે. ત્યારે હવે માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે, આગામી સોમવાર સુધીમાં કેન્દ્ર સરકારના એક બાદ એક 11 જેટલા મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર માટે આવવાના છે. આ નેતાઓ ગુજરાતની 24 જેટલી બેઠકો ખુંદશે અને ચૂંટણી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરી શકે છે.ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આજથી લઈને સોમવાર સુધીમાં મોદી સરકારના 11 જેટલા મંત્રીઓ દિલ્હીથી ગુજરાત આવશે. આ તમામ નેતાઓ એક ખાસ રણનીતિના ભાગ રૂપે ગુજરાત આવી રહ્યા છે. જેમાં મિનાક્ષી લેખી, સ્મૃતિ ઈરાની તથા અર્જુન મુંડા સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

આવી જ રીતે આગામી 31મી ઓક્ટોબર સુધીમાં નેતાઓ ગુજરાતમાં એક બાદ એક મુલાકાતે આવશે.નોંધનીય છે કે, છેલ્લા ચાર દિવસમાં જ મોદી સરકારના 3 જેટલા મંત્રીઓ ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી ટાણે મોદી સરકારના મંત્રીઓ એક બાદ એક ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચારના ધમધમાટમાં સહભાગી થશે. તાજેતરમાં જ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જેમાં તેમણે કમલમમાં એક બાદ એક ભાજપના હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી બેઠકો કરી હતી. એવામાં સ્પષ્ટ છે કે ભાજપ આ ચૂંટણીમાં મિશન 182 માટે કમર કસી લીધી છે અને વધુથી વધુ બેઠકો જીતવા માટે પ્રયાસ કરી રહ્યું છે.