સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગુજરાત સ્થાપના દિવસ
Written By
Last Updated : રવિવાર, 1 મે 2022 (10:59 IST)

ગુજરાત સ્થાપના દિન સ્પેશિયલ - શું છે મહાગુજરાત આંદોલનને વેગ આપનારો ખાંભી સત્યાગ્રહ

mahagujarat
૧લી મેના દિવસે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ ઉજવાશે. ગુજરાત રાજ્યની સ્થાપના પાછળ મહાગુજરાત આંદોલને મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૃ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૃ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું. નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ.
kambhi movement
કેન્દ્ર સરકારે દ્વિભાષી રાજ્યનો કાયદો ઘડીને મહારાષ્ટ્ર-ગુજરાતને એક રાજ્ય જાહેર કરી દીધું હતું. બીજી તરફ ગુજરાતી પ્રજા ગુજરાતને અલગ રાજ્ય તરીકે જોવા માંગતી હતી. માટે ૧૯૫૬માં જ નાના પાયે આંદોલનની શરૃઆત થઈ હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક, ભાઈકાકા વગેરેએ આગેવાની લેવાની શરૃઆત કરી પછી આંદોલને મોટું સ્વરૃપ ધારણ કર્યું અને છેવટે મહાગુજરાત આંદોલન તરીકે પ્રસિદ્ધિ પામ્યું. ખાંભી સત્યાગ્રહના સાક્ષી રહી ચૂકેલા ૮૦ વર્ષના સેનાની રમણભાઈ પંચાલ જણાવે છે કે 'અમે બધા કોલેજના વિદ્યાર્થીઓ ૧૯૫૬ની ૭મી ઓગસ્ટે એ વખતના કોંગ્રેસ હાઉસ ખાતે કોંગ્રેસી નેતાઓને રજૂઆત કરવા માટે ગયા હતા. અમારા હાથમાં પુસ્તકો હતા, પણ સામે થ્રી-નોટ-થ્રી રાઈફલ તૈયાર હતી. રજૂઆત કરવા ગયેલા વિદ્યાર્થીઓ પર ગોળીઓ છોડાઈએ. એ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ વસા એમ ચાર વિદ્યાર્થી શહીદ થયા હતા.' ગોળીબારથી લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો. એ પછી કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા તો લોકોએ સ્વયંભૂ કર્ફ્યુ પાળીને મોરારજીભાઈની નેતાગીરીને તમાચો માર્યો. ઈન્દુલાલ યાજ્ઞિાક સહિત સૌ કોઈ ચાર વિદ્યાર્થીઓની શહાદતથી વ્યથિત હતા. લોકોને શહાદત અને કોંગ્રેસની નેતાગીરીન નિષ્ફળતા યાદ રહે એટલા માટે ઈન્દુલાલે કોંગ્રેસ ભવનની ઓટલી ઉપર જ શહીદ સ્મારક મુકવાની જાહેરાત કરી. ખંતિલા યુવાનો સ્મારકની કામગીરી સોંપાઈ. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યુ હતુ. નક્કી થયા પ્રમાણે ૧૯૫૮ની ૭મી ઓગસ્ટે રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલી ઓટલી તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે ૮મી ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી લેવામાં આવ્યું અને એ પછી સત્યાગ્રહને ખાંભી સત્યાગ્રહ નામ આપવામાં આવ્યું.
indu chacha yagnik
ખાંભી ગોઠવાઈ જવાથી લોકોનો જુસ્સો વધ્યો. એટલે સરકારે રાતોરાત એ સ્મારકને ત્યાંથી હટાવી દેવું પડયું. માટે આજે એ અસલ સ્મારક ત્યાં નથી. પાછળથી જોકે નવું સ્મારક બનાવાયું છે. અત્યાર સુધી ધીમે ધીમે ચાલતા આંદોલનને આ ઘટના પછી વેગ મળ્યો. અનેક લોકો સત્યાગ્રહમાં જોડાયા. ૨૨૬ દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલનને મજબૂતી આપી. છેવટે સરકારે આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું અને અંતે બે વર્ષ પછી ૧૯૬૦માં ગુજરાત રાજ્યની રચના પણ થઈ.