શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
Written By
Last Modified: રાજકોટ , મંગળવાર, 1 ડિસેમ્બર 2015 (11:33 IST)

બુધવારે રજુ થનારુ પરિણામ કોનું ભાવિ ગઢશે ?

ગુજરાતમાં બે તબક્કે સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું. હવે પરિણામ આડે  થોડા કલાક જ બાકી છે. બુધવારનો સુરજ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરનારો દિવસ ઉગાડશે. 6 મહાનગરો, 230 તાલુકા પંચાયતો, 31 જિલ્લા પંચાયતો અને 6 નગરપાલિકાઓની ચૂંટણીનુ પરિણામ ગુજરાતના રાજકારણ પર વિશેષ અસર કરશે. બુધવારના પરિણામથી સરકારને સત્તા ક્ષેત્રે સત્તાવાર રીતે કોઈ ફેર પડતો નથી પરંતુ રાજકીય રીતે પરિણામ આનંદીબેન પટેલની સરકારના ભાવિને ગાઢ રીતે અસર કરશે. વિધાનસભાના વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા તથા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને જેની મુદત પુરી થઈ ગઈ છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ફળદુ માટે વ્‍યકિતગત રીતે અને પક્ષની રીતે પરિણામ રસપ્રદ બનશે.
 
   ગુજરાતમાં આનંદીબેન પટેલે ધુરા સંભાળ્‍યા પછી સમગ્ર રાજ્‍યના તમામ જિલ્લામાં જનાદેશ માગવાનો હોય તેવી આ પ્રથમ ચૂંટણી હતી. ભાજપ અને સરકારે વિકાસના મુદ્દા પર મત માગ્‍યા હતા. અનામત આંદોલન, 50  ટકા મહિલા અનામત, નવુ સિમાંકન વગેરે દ્રષ્‍ટિએ બુધવારે પ્રથમ વખતે જનાદેશ જાહેર થશે. ભાજપ અને કોંગ્રેસ બન્નેએ રાબેતા મુજબ જીતના દાવા કર્યા છે.
 
   પાટીદાર ફેકટર આ ચૂંટણીમાં ખૂબ ગાજયુ છે. ગાજેલા મેઘ કેવા વરસે છે? તે મત મશીન ખુલે ત્‍યારે જ ખબર પડશે. ગઈ તા. 22 મીએ રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદ તે 6  મહાનગરોમાં સરેરાશ 50 ટકા જેટલુ મતદાન થયેલ. ગઈકાલે નગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતોમાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન થયુ છે. ઉંચા મતદાનને ભાજપ પોતાના તરફી ગણાવે છે. કોંગ્રેસે લોકોનો આક્રોશ મત સ્‍વરૂપે મત મશીનમાં કેદ થયાનો અને બુધવારે ભાજપની સામે પ્રગટ થવાનો દાવો કર્યો છે.
 
   કોંગ્રેસે પાટીદાર આંદોલન ઉપરાંત મોંઘવારી, ભ્રષ્‍ટાચાર, ખેડૂતોને પાણી, વીજળી, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ વગેરે મુદ્દા ચગાવ્‍યા હતા. પાટીદારોને સરકાર વિરૂદ્ધ મતદાન કરવા આંદોલનકાર આગેવાનોએ ખુલ્લુ આહવાન કર્યુ હતું. સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીનું આ વખતનું પરિણામ ભાજપ-કોંગ્રેસ, પાટીદાર ફેકટર વગેરેનું ભાવિ નક્કી કરનારૂ બની રહેશે. જો ભાજપને અપેક્ષા મુજબ સત્તા મળે અથવા સામાન્‍ય નુકશાન થાય તો આનંદીબેન પટેલ વધુ મજબુતાઈથી બહાર આવશે. કોંગ્રેસ ધારે છે તે રીતે ગુજરાતમાં ભાજપ વિરોધી વાવાઝોડુ ફુંકાઈ અને ભાજપ મોટા પ્રમાણમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓમા સત્તા ગુમાવે તો આનંદીબેન સામે ભાજપમા અંદરથી જ અવાજ ઉઠવાની શકયતા વધી જશે. બિહાર વિધાનસભાની ચંૂટણીના પરિણામ પછી ગુજરાતમાં કોંગ્રેસ પોતાના માટે અચ્‍છે દિન આવવાની આશાભરી રાહ જોઈ રહી છે. બુધવારે જાહેર થનાર પરિણામ વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીના ટ્રેલર સમાન બની રહેશે.