શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By કલ્યાણી દેશમુખ|
Last Updated : મંગળવાર, 18 ફેબ્રુઆરી 2020 (18:09 IST)

પીરિયડ્સના બહાને મહિલાઓ પર આંગળી ચીંધનારા અજ્ઞાની છે, પીરિયડ્સ અપવિત્રતા નથી...

સ્ત્રીઓના માસિક ધર્મને લઈને આજે ભારતીય સમાજમાં પ્રગતિશીલતા આવી ગઈ છે.  જે વિષય અંગે ચર્ચા કરતા પણ લોકો ખચકાતા હતા એ વિષય પર અક્ષય કુમારની ફિલ્મ પેડમેન એ દરેક નાના-મોટાના સમજમાં એક વાત તો બેસાડી દીધી છે કે આ સ્ત્રીઓના શરીરમાં થનારી એક સામાન્ય પ્રક્રિયા છે. જે શરમની વાત નથી પણ એ અંગે જાગૃતતા જરૂરી છે. પરંતુ સ્ત્રીને લઈને ક્યારેય પણ કોઈપણ વાત હોય તો તેના પર ક્યારેય પૂર્ણ વિરામ લાગતુ નથી. પછી ભલે એ તેમના શરીર પરના કપડા હોય કે પછી તેમના સાથે થનારા અન્યાય વિશે વાત હોય કે પછી પ્રકૃતિના નિયમનો એક ભાગ પીરિયડ્સ કેમ ન હોય. 
 
તાજેતરમાં જ એક નવો વિવાદ ઉભો થયો છે.  ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત ગર્લ્સ ઈસ્ટીટ્યુટમાં   વિદ્યાર્થીનીઓના માસિક ધર્મની તપાસ માટે તેમના ઈનર કપડા ઉતારવાનો મામલો હજુ ઠાળે પડ્યો નથી કે સ્વામીનારાયણ મંદિરના જ એક મહંતે એક વિવાદાસ્પદ નિવેદન આપતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  આ મહંત મહિલાઓ સાથે ભેદભાવ વિશે વાત કરી રહ્યા છે.  આ મહાન સ્વામીજીનુ કહેવુ છે કે જો સ્ત્રી જ્યારે માસિક ધર્મમાં હોય ત્યારે જો કોઈ પુરૂષ કે પછી તેનો પતિ તેના હાથનુ બનાવેલુ ભોજન ખાઈ લો તો તે આગલા જનમમાં બળદ થઈ જાય છે.  હવે આવી વાતો તો એ જ કરે જે શાળામાં ક્યારેય ગયા ન હોય. કારણ કે શાળામાં ગયા હોય તો વિજ્ઞાન વિષય સમજ્યો હોય અને સમજ્યો હોય તો આવુ કદી બોલે જ નહી. 

આગળ વાત કરતા પહેલા જાણી લઈકે માસિક ધર્મ એટલે શુ હોય ? 
સ્ત્રીમાં રહેલુ સ્ત્રીબીજ ફળે એ માટે ગર્ભાશયની લાઇનિંગ તૈયારી કરે છે, પણ જ્યારે તે ફળતું નથી ત્યારે મેન્સીસના એટલે કે લોહીના રૂપે તે દર મહિને બહાર નીકળી જાય છે અને તેને જ આપણે માસિક ધર્મ કહીએ છીએ
 
માન્યુ કે આજે પણ ઘણા ભારતીય ઘરોમાં એ પછી શહેર  હોય કે ગામ.. સ્ત્રીઓને પીરિયડ્સ દરમિયાન રસોડામાં પ્રવેશ અપાતો નથી.  પણ આ પરંપરા પાછળનુ કારણ જો તમે છૂત અછૂત કે પછી અપવિત્રતા સમજતા હોય તો તમે હજુ પણ અજ્ઞાની છો.  આ પરંપરા પાછળનુ કારણ એ છે કે સ્ત્રીઓનો મોટાભાગનો સમય રસોડાના કામ પાછળ  જાય છે.  પીરિયડ્સ એ એવો સમય હોય છે જે દરમિયાન સ્ત્રીઓને ઘણી તકલીફ થાય છે.  ઘણી સ્ત્રીઓને પેટ દુ:ખે છે.. ઘણી સ્ત્રીઓને રસોઈ જોઈને ઉબકા આવે છે... ઘણી સ્ત્રીઓને થાક લાગે છે .. કમર દુ:ખે છે.. વગેરે વગેરે. આ દિવસો દરમિયાન સ્ત્રીઓ માટે આરામ ખૂબ જરૂરી છે. પણ જેનુ નામ સ્ત્રી છે એ ઘરનુ એવુ પ્રાણી છે જે ખુદની તકલીફ ભૂલીને છોકરાઓ  માટે કે પતિ માટે કે ભાઈ માટે કે માતા-પિતા માટે પોતાનુ બધુ દુખ બાજુ પર મુકીને રસોડામાં જઈને બધા કામ કરવા માંડે છે.!! 
 
તમે કોઈપણ સ્ત્રીને કહોને કે જા બેન તુ 3 દિવસ આરામ કર.. તારે રસોડામાં ન આવવુ.. તો બેન માને થોડી.  એ તો ચાલુ થઈ જાય કામ કરવા.  આ ભારતીય મહિલાઓની માનસિકતા છે.  જે રીતે આજે પણ ઘણા કામચોર પુરૂષો એવુ સમજે છે કે રસોડાના કામમાં મદદ કરવાથી આપણે બાયલા કહેવાઈએ... એ જ રીતે આજે પણ ઘણી મહિલાઓ સમજે છે કે ઘરના લોકોને જમાડ્યા વગર આરામ કરવો પાપ છે..  તો આવી મહિલાઓ અને પુરૂષોની માનસિકતાને જોતા પહેલાના જમાનામાં શાસ્ત્રોમાં એવો નિયમ બનાવી દીધો કે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કોઈ કામ કરવુ નહી.. પણ આરામ કરવો.. (એટલે કે એક જગ્યાએ સૂઈ રહેવુ). આગળ જતા લોકોએ પોત પોતાના મગજનુ ગણિત લગાવીને આ વાતને તોડી મરોડીને રજુ કરવી શરૂ કરી. 
 
પહેલાના સમયમાં સ્ત્રીઓને આજના સમય કરતા વધુ મુશ્કેલ કામ કરવા પડતા હતા.. જેનાથી શરીર પર તેની અસર થતી હતી.. જેવુ કે કુવામાંથી પાણી કાઢવુ, ઘરમાં જ ઘંટીમાં લોટ દળવો, મસાલો પાટા પર વાટવો, સંયુક્ત કુટુબ હતુ એટલે ઢગલો વાસણ હોય કપડા હોય અને એટલી જ રસોઈ બનાવવાની પણ હોય. જો આટલા બધા કામ પીરિયડ્સ દરમિયાન પણ કરવા પડે તો સ્ત્રીનો જીવ જોખમમાં મુકાય જાય. એ જ કારણ હતુ કે પહેલા સ્ત્રીઓને 4 દિવસ માટે એક ખૂણામાં બેસીને આરામ કરવાની પરંપરા હતી. 
 
હવે આજના સમયમાં એવુ નથી કે બધા ભણીગણીને જ્ઞાની થઈ ગયા એટલે સ્ત્રીઓને પણ આ બધી તકલીફ પીરિયડ્સમાં હવે થતી નથી. પણ હવે સ્ત્રીઓને પહેલા જેવા મુશ્કેલ કામ કરવા પડતા નથી. સાથે જ હવે ઘણા ઘરમાં પુરૂષો હવે સમજદાર થઈ ગયા છે. તો સ્ત્રીઓને આવા સમયે પુરો સપોર્ટ કરે છે.  આજના સમયમાં પીરિયડસમાં પણ ઘણી સ્ત્રીઓ રસોડામાં જાય છે કારણ કે હવે તેની પાસે કરવા માટે વધુ કોઈ કામ નથી.  વાસણ માટે બાઈ હોય છે.. કપડા ધોવા માટે વોશિંગ મશીન હોય છે .. સ્ત્રીઓ કુકિંગ જરૂર કરે છે. એ સૌ સૌની માન્યતા છે. 
 
પીરિયડ્સને લઈને વાત કરવી હોય તો એ મુદ્દા પર કરો કે સ્ત્રીઓ પીરિયડ્સ દરમિયાન સફાઈનુ પુરૂ ધ્યાન રાખે. જેથી આપણી આવનારી પેઢી તંદુરસ્ત જન્મે. આજે આપણે જાગૃત નથી તેથી ઘણી એવી છોકરીઓ અને મહિલાઓ છે જે શરમને કારણે મેડિકલ સ્ટોર પર જઈને પેડ ખરીદતી નથી. કારણ કે તેને બોલવામાં શરમ આવે છે. તેને લાગે છેકે દુકાનવાળો મને ખબર નહી કેવી નજરથી જોશે.  શુ આપણે એટલા જાગૃત છીએ કે કોઈપણ જાતની શરમ વગર પીરિયડ્સ ખરીદી લઈએ ? શુ આપણે એટલા જાગૃત છીએ કે આપણી માતા પત્ની કે બહેન માટે દર મહિને પેડ ખરીદીને ઘરમાં લાવી મુકીએ ? શુ આપણે એટલા જાગૃત છીએ કે પીરિયડસને લઈને માતા બહેન કે પત્નીની તંદુરસ્તીનુ ધ્યાન રાખીએ ? છો તમે છો તો મને ખુશી છે.. અને તમે આટલા જાગૃત નથી તો તમે હજુ પણ ભણેલા હોવા છતા અભણ છો અજ્ઞાની છો. 
 
દુ:ખ થાય છે જ્યારે કોઈ એવી વ્યક્તિ જેમની વાતો પર આપણો અડધો સમાજ વિશ્વાસ કરતો હોય.. કે જેમની આગળ આપણા મનમાં સન્માન હોય.. કે જેમને આપણે ગુરૂ જેવી પદવી આપતા હોય.. જો એ જ વ્યક્તિ આ પ્રકારની અંધશ્રદ્ધાથી ભરેલી વાતો કરે તો સમાજને સુશિક્ષિત સાથે જાગૃત બનાવવા માટે આપણે કોણી પાસે આશા રાખી શકીએ.. એક વાર વિચારજો જરૂર...