બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 10 એપ્રિલ 2020 (13:57 IST)

ગુજરાતની નાણાકીય હાલત પણ કફોડી: વેરા વસુલાત માટે ‘માફી’ યોજના શકય: નાણામંત્રી

દેશની સાથે ગુજરાતમાં કોરોના-લોકડાઉનની જે સ્થિતિ છે તેમાં વ્યાપાર, ઉદ્યોગ બંધ હોવાથી રાજય સરકારની વેરા અને મહેસુલી આવકને મોટો ફટકો પડયો છે અને તે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ જેઓ નાણા મંત્રાલય પણ સંભાળે છે તેમના માટે એક પડકારની સ્થિતિ સર્જાઈ છે અને હવે વેરો ભરવા માટે માફી કે વળતર યોજના જાહેર કરવામાં આવે તેવી ધારણા છે. એક મુલાકાતમાં પટેલે સ્વીકાર્યુ કે રાજયને ફકત જીએસટી આવક ઘટાડાથી જ રૂા.5000 કરોડની નુકશાની જશે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ થંભી જતા હવે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટયો છે અને તેથી તેની વેટ આવક પણ રૂા.4000 કરોડ જેટલી ઘટી છે. ઉપરાંત રાજય સરકારને કોરોના સામે લડવા માટે એક બાદ એક પેકેજ આપવા પડે છે. આરોગ્ય સહિતનો ખર્ચ પણ વધી ગયો છે. ફ્રી રાશનનો પૂર્ણ ખર્ચ રાજય ભોગવે છે. સરકારે ઈલેકટ્રીક સીટી ડયુટી ઘટાડી છે. સ્ટેમ્પ ડયુટી સહિતની આવક પણ બંધ છે. પટેલે સ્વીકાર્યુ હાલ માર્ગ બાંધકામ સરકારી ઈમારતનો નવીનીકરણ સહિતના પ્રોજેકટ થંભાવી દેવામાં આવ્યા છે. સરકાર માટે લોકડાઉન એક મોટો પડકાર છે તેમાં હવે સરકાર તબકકાવાર આવક વધારવા ટેક્ષમાં માફી કે પ્રોત્સાહન યોજના લાવવા તૈયારી કરી રહી છે. જો કે તેઓએ સર્વિસ સેકટર કે ઉદ્યોગ માટે પેકેજ આપવા પર હાલ કઈ કહેવું વહેલું જણાવીને લોકડાઉન ખત્મ થાય પછી જ સરકાર સ્થિતિની સમીક્ષા બાદ નિર્ણય લેશે. કેન્દ્રની મદદ અંગે પટેલે જણાવ્યું કે મોદી સરકાર શકય તેટલી મદદ કરી રહી છે પણ કોઈ ખાસ પેકેજ અંગે વિચારાયુ નથી.