વર્કિંગ જર્નાલિસ્ટ તથા પત્રકારત્વ ક્ષેત્રના યુવાઓ માટે જોબની ઉત્તમ તક
રાજ્ય સરકાર યુવાઓ માટે રોજગારીનો વ્યાપ દિન પ્રતિદિન વધારી રહી છે અને અલગ-અલગ વિભાગ-ખાતાઓની વિવિધ સંવર્ગની સરકારી જગ્યાઓની જાહેરાત કરી યુવાઓને પારદર્શક ભરતી પ્રકિયાના અંતે રોજગારી આપી રહી છે ત્યારે, આજે વર્કિંગ જર્નાલિસ્ટ તથા પત્રકારત્વ ક્ષેત્રના યુવાઓ માટે માહિતી ખાતા હસ્તકની વિવિધ સંવર્ગની ૧૦૦ જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.
જેમાં નાયબ માહિતી નિયામક વર્ગ-૧ની ૮, સહાયક માહિતી નિયામક(સંપાદન) વર્ગ-૨ની ૧૫ અને સિનિયર સબ એડિટર વર્ગ-૩ની ૧૫ તથા માહિતી મદદનીશ વર્ગ-૩ની ૬૨ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
આ ભરતી પ્રક્રિયા માટે વર્ગ-૧ તથા વર્ગ-૨ માટે નિયત કરાયેલી શૈક્ષણિક લાયકાત મુજબ જર્નાલિઝમ ક્ષેત્રમાં UGC માન્ય કોલેજ-સંસ્થામાંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકશે જયારે વર્ગ-૩ માટે નિયત કરાયેલી શૈક્ષણિક લાયકાત મુજબ જર્નાલિઝમ ક્ષેત્રમાં UGC માન્ય કોલેજ-સંસ્થામાંથી માસ્ટર્સ ડિગ્રી/બેચલર્સ ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ડિગ્રી ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકશે. જેની વિસ્તૃત જાણકારી જાહેરાતના નોટિફિકેશનમાંથી મેળવી શકાશે.
વર્ગ-૧ અને ૨ સંવર્ગની ભરતી પ્રકિયામાં પ્રથમ તબક્કામાં પ્રિલિમ્સ પરીક્ષા, બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા અને ત્રીજા તબક્કામાં ઈન્ટરવ્યુ યોજીને પારદર્શક રીતે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. જયારે વર્ગ-૩ સંવર્ગની ભરતી પ્રકિયામાં પ્રથમ તબક્કામાં પ્રિલિમ્સ પરીક્ષા અને ત્યારબાદ બીજા તબક્કામાં મુખ્ય પરીક્ષા યોજી મેરિટના આધારે પસંદગી પામેલા ઉમેદવારોની નિમણૂંક કરાશે.
જે અંતર્ગત લાયકાત ધરાવતા ઉમેદવારો તા.૨૨-૦૧-૨૦૨૧થી તા.૨૩-૦૨-૨૦૨૧ દરમિયાન https://ojas.gujarat.gov.in/ પરથી ઓનલાઈન પદ્ધતિથી પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.