અમૂલ દૂધના ભાવમાં આજથી 2 રૂ.નો વધારો
આમ આદમીનું બજેટ વધી જાય તેવો ધડાકો અમૂલ કંપનીએ કર્યો છે. અમૂલે દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. માત્ર દૂધ જ નહિ, અમૂલની અન્ય પ્રોડક્ટ્સ ચીઝ, બટર, ઘી, છાશ અને આઈસ્ક્રીમમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. શનિવારથી આ ભાવ વધારો અમલમાં આવશે.
આ ભાવ વધારા અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું કે, 2014 સુધી દૂધ સિવાયની દરેક ડેરી પ્રોડક્ટ્સના ભાવ સ્થિર રહ્યા હતા. તેથી અમૂલે છેલ્લા બેત્રણ મહિનામાં બટર, ઘી, છાશ અને આઈસ્ક્રીમના ભાવમાં વધારો કરાયો છે. તેમજ ખેડૂતોને વધુ કિંમત ચૂકવવી પડતી હોવાથી દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
ભાવ વધારા બાદ નવા ભાવ પર નજર કરીએ તો અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ તાજા, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમ, અમૂલ ટી સ્પેશિયલ અને અમૂલ કાઉ મિલ્ક જેવા 6 પ્રકારનું વેચાણ અમલમાં થાય છે. આ તમામ પર આવતીકાલથી 2 રૂપિયા વધારાના આપવા પડશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2006થી અત્યાર સુધી અમલે 22 વખત દૂધના ભાવમાં વધારો કર્યો છે. છેલ્લે જૂન, 2016માં દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરાયો હતો. ત્યારે 8 મહિના બાદ ફરીથી 2 રૂપિયા વધાર્યા. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ અમૂલ દ્વારા સભાસદોને દૂધ ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો. આ સમાચારથી પશુપાલકોમાં તો આનંદ છવાયો હતો, પણ આ ખર્ચાને પહોંચી વળવા અમૂલ ડેરી દૂધના ભાવમાં વધારો કરશે તેવી શક્યતાઓ વધી હતી. ખરીદ ભાવમાં વધારાની સીધી અસર ગ્રાહકોના બજેટને થવાની હતી.