શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : રવિવાર, 2 એપ્રિલ 2023 (18:39 IST)

કોકિલાબેને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું આર્ટ-હાઉસ લોન્ચ કર્યું

Nita Mukesh Ambani Cultural Centre
• અંબાણી પરિવારની ચાર પેઢીઓ સાથે જોવા મળી
• નીતા અંબાણી અને ઈશા અંબાણીએ 'ઈન્ડિયા ઈન ફેશન' પુસ્તકનું વિમોચન કર્યું
• 'સંગમ' નામનું ઉદ્ઘાટન પ્રદર્શન મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું
 
ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ના માતા કોકિલાબેને (Kokilaben) રવિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (Nita Mukesh Ambani Cultural Centre) ખાતે 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું આર્ટ હાઉસ શરૂ કર્યું. કલ્ચરલ સેન્ટરના મેગા લોન્ચનો આજે ત્રીજો દિવસ હતો. લોન્ચ ઈવેન્ટમાં અંબાણી પરિવારની ચાર પેઢીઓ એકસાથે જોવા મળી હતી.
 
મેગા લોન્ચના ત્રીજા અને અંતિમ દિવસે, નીતા અંબાણી અને ઈશા અંબાણીએ આંતરરાષ્ટ્રીય ફેશન જગત પર ભારતીય ફેશનની અસર દર્શાવતું અનોખું પુસ્તક 'ઈન્ડિયા ઇન ફેશન'નું વિમોચન કર્યું. ઈશા અંબાણીએ દર્શકો માટે પુસ્તકના કેટલાક મહત્વપૂર્ણ ભાગો વાંચ્યા. ગાયક પ્રતીક કુહાડે પોતાના સુરીલા અવાજથી લોન્ચિંગમાં ઉપસ્થિત કલાપ્રેમીઓના દિલ જીતી લીધા.
 
આર્ટ હાઉસ ખાતે 'સંગમ' નામનું ઉદ્ઘાટન પ્રદર્શન યોજાયું હતું. જે ભારતના જાણીતા સાંસ્કૃતિક સિદ્ધાંતવાદી રણજિત હોસ્કોટે અને ન્યુયોર્ક સ્થિત આર્ટ કલેક્ટર અને ગેલેરીસ્ટ જ્યોફ્રી ડીચ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં દેશ અને વિશ્વના 10 પ્રખ્યાત કલાકારોની 50 થી વધુ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારો ફ્રાન્સેસ્કો ક્લેમેન્ટે, એન્સેલ્મ કીફર અને સેસિલી બ્રાઉનની કૃતિઓ ભારતમાં પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવી છે. ભારતીય કલાકારો ભૂપેન ખખ્ખર, શાંતિબાઈ, રંજની શેટ્ટર અને રતિશ ટીની કૃતિઓ પણ અહીં જોઈ શકાય છે.
 
આર્ટ હાઉસની ડિઝાઇનની વિશેષતા એ છે કે તેને પ્રદર્શનની જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય છે. આ ચાર માળનું આર્ટ હાઉસ બનાવવા માટે અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્કશોપ અને વર્લ્ડ ક્લાસ આર્ટ એક્ઝિબિશનથી લઈને ટેક્નોલોજી કે એજ્યુકેશન સુધીના કાર્યક્રમો પણ અહીં યોજાઈ શકે છે. નવી પ્રતિભાઓને આગળ લાવવા અને કલાને પ્રોત્સાહન આપવામાં આર્ટ હાઉસ મહત્વની ભૂમિકા ભજવશે. વૈશ્વિક પ્લેટફોર્મ મળવાથી ભારતના યુવા કલાકારોની પ્રતિભાને વિશ્વમાં નવી ઓળખ મળશે.