શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (14:31 IST)

નોટબંધીના ત્રણ મહિના બાદ ૩૦ ટકા જેટલાં એટીએમ બંધ હાલતમાં

નોટબંધીના ત્રણ મહિના પૂરા થઇ ગયા છે છતાં હજુ પણ કેટલાક એટીએમ બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધીની શરૂઆતના સમયમાં જે રોકડની ક્રાઇસિસ જોવા મળતી હતી તેમાં ઘણે અંશે રાહત થઇ છે, પરંતુ હજુ કેટલાક એટીએમ બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યા છે. બેન્કિંગ સેક્ટરનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ ૨૦થી ૩૦ ટકા એટીએમ બંધ જેવી હાલતમાં છે.

એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે બેન્કોના એટીએમમાં મોટી નોટ એટલે કે રૂ. ૨૦૦૦ની નોટો જ મુકાવાના કારણે નાની રકમ ઉપાડનાર વર્ગને ઘણી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વળી એટીએમમાંથી નાણાં ખલાસ થઇ ગયા બાદ સમયસર નહીં મુકાવાના કારણે નાણાં ઉપાડનારને ઘણી વાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં આ મુશ્કેલી વધુ અનુભવવી પડી રહી છે.
આ અંગે મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના અગ્રણી આર.બી. સરૈયાના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ ત્રણ મહિનાનો સમય પૂરો થયો છે, જોકે અગાઉ જે રોકડની ક્રાઇસિસ હતી તેમાં ઘણે અંશે રાહત થઇ છે, પરંતુ હજુ પણ કેટલાક કારણસર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોના કેટલાક એટીએમમાં નાણાં ઉપાડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો વળી કેટલાક એટીએમ બંધ જેવી હાલતમાં જોવા મળી રહ્યાં છે.