ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 3 એપ્રિલ 2021 (14:05 IST)

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમા પ્રતિ ડબ્બાએ રૂ.30 સુધીનો ભાવ વધારો ઝિંકાયો

લોકો પર મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ભાવ વધવાના અટકતા લોકો રાહત અનુભવી રહ્યા હતા ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ખાદ્યતેલે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. ફરી એકવાર ખાદ્યતેલમાં ભાવ વધારો ઝીંકાયો છે. સિંગતેલના ભાવમાં શનિવારે ુપ્રતિ ડબ્બે 10 રૂપિયાના વધારો ઝિંકાયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં પણ પ્રતિ ડબ્બે 30 રૂપિયા વધારો કરાયો છે.સીંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારાના પરિણામે હવે સિંગતેલના ડબ્બાનો ભાવ 2,575 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2,140 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા માર્ચ મહિનામાં પણ બંને તેલના ભાવમાં વધારો કરાયો હતો. ત્યારે હવે એપ્રિલ મહિનામાં પણ ફરી ડબ્બાના ભાવમાં વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ મોંઘવારીથી ખોરવાઈ ગયું છે. નોંધનીય છે કે આ પહેલા રોજે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતો હતો. પરિણામે પેટ્રોલની કિંમત ગુજરાતમાં પ્રતિ લીટરે 88 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જ્યારે રાંધણ ગેસના ભાવમાં પણ ડિસેમ્બર બાદથી 300 રૂપિયા સુધીનો વધારો ઝીંકાયો છે. એવામાં હવે ખાદ્યતેલના ભાવ વધતા મધ્યમ વર્ગ પર ફરી મોંઘવારીનો માર પડશે.