વિકસિત બજારોના નિર્માણમાં જાગૃત્ત ગ્રાહકની ભૂમિકા ઘણી અગત્યની છે. વિશ્વભરમાં દર વર્ષે તા.૧૫મી માર્ચને ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિન’ના રૂપમાં ઉજવવામાં આવે છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા વેપારીઓ સામે લડવા માટે આજનો દિવસ પ્રતિક સ્વરૂપે ઉજવાય છે. ગ્રાહક એ બજારનો રાજા છે. હકીકતમાં ઘણા ભણેલા-ગણેલા લોકો પણ ગ્રાહક તરીકે મળતા અધિકારો પ્રત્યે જાગૃત્ત હોતા નથી.
શિક્ષિત ગ્રાહકો આવા અધિકારોથી અજાણ હોવાથી વખતોવખત છેતરાતા રહે છે, ત્યારે બદલાતી અર્થવ્યવસ્થા અને ગ્રાહકો અને વ્યાપારીઓની માનસિકતાને ધ્યાનમાં રાખી 1985ના ગ્રાહક સુરક્ષા ધારામાં સુધારા અને નવીન જોગવાઈઓ ઉમેરી નવા સ્વરૂપે ‘ગ્રાહક સુરક્ષા ધારો-2019’ અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખરીદીના યુગમાં ઈ-કોમર્સની સુવિધા આપતાં ઓનલાઈન પોર્ટલ પર કમ્પ્લાયન્સ ઑફિસરની નિમણૂંક, ઉત્પાદન તથા સેવા અંગે સર્વિસ પ્રોવાઈડર દ્વારા ગુણવત્તાની ખાતરી સહિતની જોગવાઈઓ સાથે ઈ-કોમર્સ માટે ખાસ ગાઈડલાઈન્સ ઉમેરવામાં આવી છે.
નવા ગ્રાહક સુરક્ષા ધારા અંતર્ગત હવે ઑનલાઈન ખરીદીની જેમ ઈ-મેઈલ દ્વારા ફરિયાદ પણ નોંધાવી શકાશે. જરૂર છે તો માત્ર ગ્રાહકે પોતાના દ્રષ્ટિકોણમાં બદલી સ્વઅધિકારો પ્રત્યે જાગૃત્ત થવાની. ‘ગ્રાહક સુરક્ષા ધારો-2019’ અંગે ભાગળ પાસે હવાડીયા ચકલા ખાતે કાર્યરત ગ્રાહક સુરક્ષા મંડળ-સુરતના પ્રમુખ મહેન્દ્ર એન. સોનીએ જણાવ્યું હતું કે, તમામ ખરીદી સામે ગ્રાહકે યોગ્ય રસીદ/બિલ/કેશ મેમો, વોરન્ટી/ગેરન્ટી કાર્ડ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ.
વેચનાર/સેવા આપનાર બિલ આપવાનો ઈન્કાર કરી શકે નહીં. ક્ષતિયુક્ત માલ વેચાતો મળ્યો હોય તો તે બદલી આપવા મરામત કરી આપવા માટે માગણી કરવી એ ગ્રાહકનો અધિકાર છે. એક વખત વેચાયેલો માલ પરત લેવા/બદલી આપવામાં આવશે નહીં જેવા સ્વનિર્મિત નિયમોનો ગ્રાહક કાયદા હેઠળ સમાવેશ થતો નથી. આવા વેપારીઓ સામે લીગલ કાર્યવાહી થઈ શકે છે. મહેન્દ્ર સોની વધુમાં જણાવે છે કે, જે વ્યક્તિ કોઈ સામાન ખરીદે છે, તેના માટે પૈસા ચૂકવે છે કે ચૂકવણીનું વચન આપે છે તેને ગ્રાહક કહેવામાં આવે છે.
ગ્રાહક અને વિક્રેતા વચ્ચે જો કોઈ વિવાદ થાય તો તેના ઉકેલ માટે નિયમો અને કાયદાઓ છે. વર્ષ ૧૯૮૬ પહેલા ગ્રાહકોને સિવિલ કોર્ટના ચક્કર કાપવા પડતા હતા. તેમાં સમયની સાથે પૈસાનો પણ વધુ ખર્ચ થતો. આથી ગ્રાહકોના હિતોને સાચવવા માટે કેન્દ્ર સરકારે જિલ્લા સ્તર, રાજ્ય સ્તર અને દેશના સ્તરે ગ્રાહક અદાલતોની સ્થાપના કરી હતી. સેવાઓમાં પરિવહન, ટેલિફોન, વીજળી, બાંધકામ, બેન્કિંગ, વીમા, મેડિકલ વગેરેનો સમાવેશ થાય છે. ગ્રાહક વિવાદ નિવારણ ફોરમ જેને જિલ્લા ગ્રાહક ફોરમ કહે છે. ગ્રાહક વિવાદ નિવારણ આયોગ, જેને રાજ્ય ગ્રાહક ફોરમ પણ કહે છે. રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી નં.1800-233-0222 છે.
જેમાં પણ ગ્રાહકલક્ષી રજૂઆત કરી શકાય છે. જોકે ફેર વેચાણ માટે માલ ખરીદનાર કે કોઈ વાણિજ્યક હેતુ માટે માલ ખરીદનારનો કે સેવા મેળવનારનો ગ્રાહકની વ્યાખ્યામાં સમાવેશ કરાતો નથી. સોનીએ ઓનલાઈન ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ અંગે માર્ગદર્શન આપતાં કહ્યું કે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી વખતે તેની વિશ્વસનીયતા ચકાસવી જરૂરી છે, ઓનલાઈન ખરીદી બાદ રિવ્યુ લખવાની આદત એ ગ્રાહક જાગૃતિનો જ એક ભાગ છે, જેથી અન્ય ગ્રાહકો પણ તે ઉત્પાદનની ગુણવત્તા, વિશ્વસનીયતા ચકાસી શકે.
ડિજિટલ યુગમાં કેશલેસ ટ્રાન્ઝેક્શન્સ અને ઈન્ટરનેટ બેન્કીંગ થકી નાણાકીય વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે, ત્યારે બેંક અધિકારી તરીકે ઓળખાણ આપી, મોટા ઈનામ કે નોકરીની લાલચ આપતા લોભામણા એસ.એમ.એસ. કે ઈમેઈલ, મેટ્રીમોનિયલ સાઈટ્સ, રમી જેવી ગેમ્સ સહિત વિવિધ પ્રકારે ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે. આવા સમયે ‘ચેતતા નર સદા સુખી’ના ન્યાયે જાગૃત્ત નાગરિક અને ગ્રાહક તરીકે સાવચેતી રાખી ફ્રોડથી બચી શકાય છે.