શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: અમદાવાદ: , શુક્રવાર, 6 માર્ચ 2020 (14:30 IST)

YES બેંકે કહ્યું NO, ફરી એકવાર ગુજરાતમાં બેંકો આગળ લાગી લાઇનો

કેન્દ્ર સરકારે કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે નાણાંકીય લેવડદેવડ બેંકો દ્વારા કરવા માટે પ્રયત્નો કર્યા છે. જેના લીધે આજે દેશભરની બેંકોમાં કરોડો નવા ખાતા ખૂલી રહ્યાં છે અને મોટાભાગનાં નાગરીકો ઓનલાઈન ખરીદી કરતાં થયા છે. ત્યારે ગઈકાલે યશ બેંક પર રિઝર્વ બેંકે લાદેલા નિયંત્રણોથી રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.
 
રિઝર્વ બેન્કની યસ બેન્કની 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટની જાહેરાત કરવામાં આવતા જ બેન્કમાં ખાતા ધરાવતા ખાતેદારો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. વડોદરા શહેરમાં ગુરુવારે રાતથી જ લોકોએ એટીએમ બહાર લાઇનો લગાવી દીધી હતી. જોકે કલાકો સુધી રૂપિયા ન મળતા ખાતેદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. બેન્કોમાં લાંબી કતારો લાગી છે ત્યારે બેન્કનું સર્વર ડાઉન જતાં પૈસા ઉપાડની પ્રક્રિયામાં વિલંબ આવી થઇ રહ્યો છે. જેને લઇને ખાતેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ બેન્ક તરફથી પણ કોઇ કોમ્યુનિકેશન કરવામાં આવ્યું નથી.
 
બેંકમાંથી નાણાં ઉપાડવા માટે અમદાવાદ શહેરમાં આવેલી તમામ શાખાઓની બહાર રોકાણકારોની લાંબી કતારો લાગી ગઈ છે. અને કેટલાંક સ્થળો પર તંગદિલી જોવા મળતાં પોલીસને બોલાવવાની ફરજ પડી છે. ચોંકાવનારી બાબત એ છે કે યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને તાળાં મારી દેવામાં આવ્યાં છે. આરબીઆઈએ લાદેલા નિયંત્રણોથી કેટલાંક રોકાણકારો બેંકની બહાર જ રોતાં જાવા મળ્યાં હતાં. સંખ્યાબંધ રોકાણકારોનાં આયોજનો પર પાણી ફરી વળ્યું છે. 
 
આજે સવારથી જ ખાતેદારો અમદાવાદ સહિત રાજ્યભરના શહેરમાં આવેલી યસ બેંકની તમામ શાખાઓ ઉપર રૂપિયા ઉપાડવા માટે પહોંચી ગયા હતા. શહેરનાં સી.જી.રોડ, ઘી કાંટા, એસ.જી.હાઈવે, રીલીફ રોડ સહિતનાં વિસ્તારોમાં આવેલી યસ બેંકની શાખાઓ બહાર વહેલી સવારથી જ ખાતેદારોએ લાઈન લગાવી હતી. આરબીઆઈએ ગઈકાલે પ્રત્યેક ખાતેદારોને વધુમાં વધુ રૂ. 50,000 મળશે એવો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ આજે સવારથી ખાતેદારોમાં રૂપિયા ન આવ્યા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.
 
બેંકના ખાતેદારોમાં ભારે રોષા જાવા મળતો હતો. આ પરિસ્થિતિમાં ગઈકાલ સાંજથી જ યસ બેંકનાં તમામ એટીએમ સેન્ટરોને બેંક સત્તાવાળાઓ દ્વારા તાળાં મારી દેવામાં આવ્યાં હતા. જેનાં પગલે ખાતેદારોએ અન્ય એટીએમ સેન્ટરોમાં જઈ પોતાનાં કાર્ડ ઓપરેટ કરવાનો પ્રયાસ કર્યા હતો. પરંતુ તેમના ખાતામાંથી એકપણ રૂપિયો નહીં નીકળતાં ભારે તંગદીલી જાવા મળી રહી હતી.
 
યસ બેંકના હિસાબમાં ગરબડોનાં કારણે લેવાયેલાં નિર્ણયનાં પગલે ખાતેદારો ભોગ બની રહ્યાં છે અને કેટલીક શાખાઓની બહાર રોકાણકારોએ બૂમાબૂમ કરી મૂકતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બીજી બાજુ દરેક શાખાઓની બહાર પોલીસને તૈનાત કરી દેવાની ફરજ પડી છે.