પ્રથમ જીતનો સ્વાદ
ટ્વેન્ટી-20 વિશ્વ વિજેતા
સંદીપ સિંહ સિસોદિયા મહેન્દ્રસિંહ ધોનીની ટીમ જેવી રીતે 100 કરોડ આશોઓને શિખર પર પહોંચાડતા જોઇને દરેક હિન્દુસ્તાનીનું હૃદય ખુશીઓથી નાચી ઉઠ્યું. દરેક આ ટીમને કંઇને કંઇ આપવા ઇચ્છે છે. બીસીસીઆઇએ પોતાની તીજોરી તેમના માટે ખુલ્લી મુકી દીધી છે, ત્યાં એર ઇંડિયાએ પોતાને ત્યાં કાર્યરત 6 ખેલાડીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન અને ટીમનાં દરેક ખેલાડીઓને પાંચ વર્ષ સુધી મફત હવાઇ યાત્રાની જાહેરાત કરી છે.રાજ્ય સરકારો પણ પાછળ નથી રહી. હરિયાણા સરકારે જોગીન્દર શર્માને 23 લાખ, ટીમની મુખ્ય પ્રાયોજક સહારા ઇંડિયાએ દરેક સભ્યને 25 લાખ રૂપિયા અને એક ઘર ઇનામમાં આપવાની જાહેરાત કરી છે. દિલ્હીનાં મુખ્યમંત્રી શીલા દીક્ષિતે ગૌતમ ગંભીર અને વીરેન્દ્ર સહવાગને પાંચ-પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે. રોબિન ઉથપ્પા અને શ્રીસંતને પણ રાજ્ય સરકાર પાંચ-પાંચ લાખ રૂપિયા આપશે. ભારતની જનતાનું મન ભોળા શંભુ જેવું છે, જેટલું જલ્દી ગુસ્સે થાય તેટલું જ જલ્દીથી ખુશ પણ થાય છે. આ બાબતનો અર્થ એ છે કે દરેક ક્રિકેટ રસીયાઓએ ધીરજ રાખવી જરૂરી છે. આ રીતે મહારાષ્ટ્ર સરકારે રોહિત શર્મા અને અજીત અગરકરને 10-10 લાખ આપવાની જાહેરાત કરી છે. અનુમાન છે કે, આ રીતનો ઇનામનો વરસાદ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે.
પરંતુ આપણે થોડું પાછુ વળીને જોવાની જરૂર છે. 23 માર્ચ 2007 ના રોજ આઇસીસી વર્લ્ડ કપનાં પ્રથમ રાઉન્ડમાં ભારત શ્રીલંકા વિરૂદ્ધ 69 રનથી હારીને બહાર થયું હતું. ત્યાર બાદ ભારતમાં ખેલાડીઓ પર સામાન્ય જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો, જેમને આજે સન્માનવામાં આવે છે, વિજય યાત્રા કાઢવામાં આવે છે તેઓ રાત્રે અંધારામાં મોઢું છુપાવીને ઘરે પરત ફર્યા હતા.રાંચીના લોકો આજે ધોનીનાં ગુણગાન ગાતા થાકતા નથી પરંતુ ત્યારે તેઓએ ધોનીનાં નિર્માણાધીન મકાનને નુકશાન કરી પોતાનો ક્રોધ વ્યક્ત કર્યો હતો. સરવાળે ભારતનાં લોકોનાં મન ભોળાનાથ જેવા છે, જો તમોને યાદ હોય તો 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમને ત્યાર બાદ વેસ્ટઇંડિઝ સામે વનડેમાં 0-5 અને ટેસ્ટમાં 0-3થી ધોબી પછડાટ ખાધી હતી. આપણા નવનિયુક્ત કેપ્ટન ધોનીને પણ ઘણી મહત્વની શ્રેણીઓનો સામનો કરવાનો છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વિરૂદ્ધની શ્રેણી મહત્વની છે. બંને ટ્વેન્ટી-20 માં ભારત દ્વારા મળેલી હારનો બદલો લેવા ઇચ્છતું હશે. માટે ટીમને કઠોર મહેનત કરવી પડશે.આગામી વન-ડે શ્રેણીમાટે કેટલાક ચેમ્પિયનોને ટીમની બહાર જવું પડશે. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી અને ઝહીર ખાન માટે ટીમમાં ક્યા ખેલાડી જગ્યા ખાલી કરે છે તે ચર્ચાનો મુદ્દો બનશે.આગામી શ્રેણીનું પરિણામની અસર ધોની સહિત પૂરી ટીમની કેરિયર પર પડશે. પરંતુ આપણે 2011 નો વર્લ્ડ કપ મેળવવો હશે તો આ ટીમને કોઇપણ સંજોગોમાં સમર્થન આપવું પડશે, કારણકે હવે સાબિત થયું છે કે જનતા દ્વારા મળેલા સમર્થન દ્વારાજ જીત મેળવી શકાય છે. ભવિષ્યમાં ગમે તે થાય પરંતુ ટ્વેન્ટી-20 વિજેતાનું બહુમાન કોઇ પણ છીનવી શકે તેમ નથી. ભારતીય ટીમની જીતની સરખામણી ચંદ્ર પર પહોંચનારા પ્રથમ અવકાશ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગની સાથે કરી શકાય છે. કારણ કે, ટીમ ઇંડિયાએ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં સૌથી પહેલા તિરંગો લહેરાવ્યો છે. આવનારા સમયમાં વિજેતાઓ અનેક થશે પરંતુ પ્રથમ જીતનો સ્વાદ અનોખો હોય છે.