ઈંગ્લેન્ડમાં સ્થાનિક સ્તરે રમાતી કાઉન્ટી ચેમ્પિયનશીપ અને ઓસ્ટ્રેલીયામાં રમાતી પ્યુરા કપની જેમ જ રણજી ટ્રોફી એ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ સ્પર્ધા છે. નવાનગરના જામ સાહેબ અને ઈંગ્લેન્ડના જાણીતા ખેલાડી કુમાર રણજીતસિંહજીના નામ પરથી આ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી તરીકે ઓળખાય છે.
જૂલાઈ 1934માં બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાએ ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે રણજી ટ્રોફીની શરૂઆત કરવાનો નિર્ણય લીધો. ટુર્નામેન્ટના વિજેતા બનનાર ટીમ માટેની ટ્રોફી પટીયાલાના મહારાજા ભુપીન્દરસીંઘે દાનમાં આપી. પહેલી રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં મુંબઈએ ફાઈનલમાં ઉત્તર ભારતને પરાજીત કરીને વિજેતાપદ મેળવ્યું. આ ટુર્નામેન્ટની સૌ પ્રથમ સદી હૈદરાબાદના સૈયદ મોહંમદ હાદીએ ફટકારી.
આ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી આજદિન સુધી મુંબઈએ આ ટુર્નામેન્ટ પર વર્ચસ્વ જાળવી રાખતા 36 વખત રણજી ટ્રોફી હાંસલ કરી છે. તેમાં પણ 1958-59થી 1972-73ની સિઝન દરમિયાન તો મુંબઈ સતત 15 વખત વિજેતા બન્યું હતું.
રણજી ટ્રોફીમાં રમતી મોટાભાગની ટીમો પોતાના રાજ્યનું પ્રતિનિધીત્વ કરે છે. જો કે ટુર્નામેન્ટમાં મુંબઈ અને બરોડા જેવી કેટલાક શહેરોનું પ્રતિનિધિત્વ કરતી ટીમો પણ ભાગ લે છે. તે સિવાય કોઈ ચોક્કસ રાજ્ય કે શહેર સાથે સંબંધિત ન હોય તેવી રેલવે અને સર્વિસિસની ટીમો પણ દર વર્ષે રણજી ટ્રોફીમાં ઝૂકાવે છે.
રણજી ટ્રોફીની ખાસ વાત એ છે કે ક્રિકેટ રમતા મોટા ભાગના દેશોમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટો પર વિશ્વયુદ્ધની અસર વર્તાઈ હતી. પરિણામે કેટલાક દેશોએ તે વખતે તેમની સ્થાનિક ટુર્નામેન્ટ મુલત્વી રાખી હતી. જો કે રણજી ટ્રોફી પર વિશ્વયુદ્ધની જરાય અસર વર્તાઈ નહોતી.
ઉલ્લેખનીય છે કે તે ગાળામાં રણજી ટ્રોફીના કેટલાક સર્વોચ્ચ સ્કોર અને રેકોર્ડ નોંધાયા હતા. 2002-03ની સિઝન સુધી ટીમોને પાંચ ઝોનમાં વહેંચવામાં આવતી હતી. પ્રાથમિક રાઉન્ડમાં દરેક ઝોનની ટીમો લીગ પદ્ધતિથી એકબીજા સામે રમતી હતી. ત્યારબાદ દરેક ઝોનમાં પોઈન્ટ્સના આધારે અગ્રણી રહેલી ત્રણ-ત્રણ ટીમો (1991-1992ની સિઝન સુધી બે ટીમો) નોકઆઉટ રાઉન્ડમાં રમતી હતી.
જો કે 2002-03ની સિઝનથી જૂની ઝોનલ રાઉન્ડ પદ્ધતિના બદલે ટીમોને બે ભાગમાં વહેંચીને અંદરોઅંદર એકબીજા સામે રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ બે ગૃપને એલીટ ગૃપ અને પ્લેટ ગૃપ નામ આપવામાં આવ્યા. જો કે તેમાં પણ ફેરફાર કરીને 2006-07ની સિઝનથી બંને ગૃપના નામ બદલીને સુપર લીગ અને પ્લેટ લીગ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. સુપર લીગ ગૃપ આઠ અને સાત ટીમોના બે ભાગમાં વહેંચાયેલું હશે. જ્યારે પ્લેટ ગૃપ છ-છ ટીમોના બે ભાગમાં વહેંચાયેલું હશે.