રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : સોમવાર, 4 નવેમ્બર 2019 (12:11 IST)

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો એક નવો યુગ

ગુજરાતી ફિલ્મજગતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પરિવર્તનનો નવો જ પવન ફૂંકાયો હોય તેમ એક પછી એક ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારા કલેક્શન સાથે લોકોનું ધ્યાન બોલિવૂડથી ગુજરાતી ફિલ્મો તરફ સફળ રીતે ખેંચ્યું છે. વર્ષ 2012માં સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઈશ', ત્યાર બાદ 'બે યાર', 'પ્રેમજી', 'ગુજ્જુભાઈ ધ ગ્રેટ' અને આજે પણ થિયેટરમાં હાઉસફુલ જતી 'છેલ્લો દિવસ' જેવી ફિલ્મો આ સફળતા પાછળ જવાબદાર હોવાનું જણાય છે.

 અગાઉના સમયમાં ગ્રામ્ય લોકો અને અમુક નાનો શહેરી વર્ગ જ ગુજરાતી ફિલ્મો જોવે છે, એ માન્યતાને સદંતર ખોટી પાડતા આજે લોકોનો આવી ગુજરાતી ફિલ્મોને જોવાનો ક્રેઝ વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.  આ ગુજરાતી ફિલ્મો અને તેના નિર્માતાઓ પાસે બોલિવૂડ જેટલા વર્ષોનો અનુભવ અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતા ન હોવા છતાં એક નવા જ સાહસ, મજબૂત સ્ટોરી, દમદાર અભિનય અને યંગસ્ટર્સને આકર્ષતુ ગુજરાતી સંગીત જેવા પાસાઓ સાથે થિયેટરોમાં 'હાઉસફુલ'ના બોર્ડ લગાવવામાં સફળ રહ્યાં છે. 

ગુજરાતી ફિલ્મોનો આ સિલસિલો અહીં જ પૂરો નથી થતો, આવતા વર્ષની શરૂઆતમાં જ રોમાન્સ કોમ્પલીકેટેડ નામથી વધુ એક ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેની ખાસિયત એ છે કે તેનું સંપૂર્ણ શૂટિંગ ફોરેન લોકેશન પર થયું છે. આ ફિલ્મના ટ્રેલરમાં દેખાતો બોલિવૂડ ફિલ્મો જેવો જ માહોલ, ગુજરાતી લોકોનું મનોરંજન સફળ રીતે કરશે કે કેમ? તે જોવું રહ્યું. 'આ તે કેવી દુનિયા', 'ધ ગૂડ રોડ', 'બસ એક ચાન્સ', 'જો બકા', 'ખીચડી' જેવી ગુજરાતી ફિલ્મો પણ આ નવા પરિવર્તનનો એક ભાગ છે.

ગુજરાતી ફિલ્મોમાં શું નવું આવ્યું અને શું જૂનું ગયુંઃ

હવેની ગુજરાતી ફિલ્મોમાં શહેરી કલ્ચર, ગુજરાતી યૂથ અને દમદાર સ્ક્રિપ્ટ ગુજરાતી દર્શકોને ખેંચવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. જૂનવાણી ફિલ્મોનાં લાંબા-લાંબા ટાઇટલને પણ અર્બન ગુજરાતી ફિલ્મોએ દૂર કર્યા છે. જૂનવાણી ગુજરાતી ફિલ્મો અને તેના શિર્ષકમાં વપરાતા ઓઢણી, ઘડો, ચુંદડી, સાયબો, સાજણ, પદમણી, પ્રિત, ઢોલ, ભવાઈ, ગોરી, મૈયર, જેવા શબ્દોનું સ્થાન બકા, લવ, રોમાન્સ, ગુજ્જુ, યાર, ફ્રેન્ડ્સ, ફેસબુક,બિઝનેસ, અમેરિકા, વિઝા, વિટામીન જેવા શબ્દોએ લીધું છે.
આ સિવાય ફિલ્મોની રહેણી-કરણી અને પહેરવેશમાં પણ ખાસ્સા પરિવર્તન આવ્યા છે. જેવા કે ચણિયા-ચોળી, કેડિયાં અને લેંઘા-જભ્ભાનું સ્થાન અર્બન ગુજરાતી ફિલ્મોમાં જીન્સ-ટિશર્ટ્સ, શૂટ અને વેસ્ટર્ન ગારમેન્ટ્સે લીધું છે. ગ્રામ્ય કલ્ચર કરતાં શહેરી કલ્ચર પર વધારે ભાર મૂકાઈ રહ્યો છે, તડપદી અને કાઠિયાવાડી ભાષાની જગ્યાએ સ્પષ્ટ ગુજરાતી ભાષા વપરાતી થઈ છે. આ જ મુખ્ય બાબતો છે, કે જેનાં કારણે અર્બન ગુજરાતી ફિલ્મો વર્તમાન ગુજરાતી યૂથને આકર્ષી રહી છે. આ તમામ પાસાઓનાં કારણે હવે ગુજરાતી કલ્ચરને રામ-લિલા, જય હો અને પ્રેમ રતન ધન પાયો જેવી બૉલિવૂડ ફિલ્મોમાં પણ જગ્યા મળી રહી છે.
5 એવી ફિલ્મો, જેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક નવો યુગ શરૂ કર્યો

 
૧.ફિલ્મઃ કેવી રીતે જઈશ
વાર્તા: આ ફિલ્મ એક સટાયર છે જેમાં ગુજરાતી ખેડૂતોની કમ્યુનિટી પૈકી પટેલ જ્ઞાતિના કેટલાક લોકો કે જેઓ USAમાં સેટલ થયા છે તેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. છેલ્લા 50 વર્ષમાં લાખોની સંખ્યામાં પટેલ લોકો અમેરિકામાં સ્થાયી થયા છે અને ત્યાં તનતોડ મહેનત અને કમાણીથી મોટેલ બિઝનેસમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી એવા જ એક પટેલ ફેમિલી અને યુ.એસ. જવાના વિઝા મેળવવાની મથામણ પર આધારિત છે. 


શું તમે જાણો છો?
ફિલ્મમાં વિમાનના મોડેલ સાથે જે વિઝા ઓફિસ દર્શાવવામાં આવી છે તે અસલમાં અમદાવાદમાં આવેલી 'ઇન્ડસ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનીયરીંગ અને ટેકનોલોજી' નામની કોલેજ છે.

૨.ફિલ્મઃ બે યાર

વાર્તા: જલ્દી રૂપિયા કમાવવાની લાલચમાં, બે ખાસ મિત્રો પોતાની શરમ અને આબરૂ નેવે મુકીને બધું જ ગુમાવી દે છે પછી તેઓ ઉંધો રસ્તો પકડીને બધું પેલાની કેમ પાર પાડવા મથામણ કરે છે અને અગાઉ ગુમાવેલું બધું જ પાછું મેળવે છે. આ ફિલ્મે 6.5 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હોવાનો અંદાજ છે. 
શું તમે જાણો છો?
- એમ.એફ. હુસેને રિયલ લાઈફમાં એક ચા વાળાને પોતે દોરેલું ચિત્ર ગિફ્ટમાં આપેલું. આ અસલી   
 ચિત્ર અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલ લકી ટી સ્ટોલમાં આજે પણ જોવા મળે છે. 
- ફિલ્મ માટે ખાસ "લાભુમા" નામથી રીંગટોન બનવવામાં આવી હતી. 
- ફિલ્મની અભિનેત્રી સંવેદના સુવલ્કા રિયલ લાઈફમાં એક મેડિકલ ગ્રેજ્યુએટ છે જેણે પછીથી  
 એક્ટિંગને કેરિયર તરીકે પસંદ કરી.

૩. ફિલ્મઃપ્રેમજી
 
 વાર્તા: આ ફિલ્મની વાર્તા કચ્છનાં એક ગામડાના છોકરા, પ્રેમજી વિશે છે. તે પોતાના એક ભયાનક ભૂતકાળ સાથે અમદાવાદ અભ્યાસાર્થે આવે છે અને પોતે કોણ છે તે જાણવાની મથામણ કરે છે. તેની આ સફરમાં પ્રેમિકા પવન અને તેના ખાસ મિત્રો મુકેશ, ચિત્રા અને રોય તેની મદદ કરે છે અને દુષ્ટતા સામે એકસાથે હાથ મિલાવીને લડે છે. દિગ્દર્શકે ફિલ્મની આ વાર્તાને પૌરાણિક પાત્ર 'શિખંડી' સાથે જોડી છે. એક એવો પૂરુષ, કે જેનાં લક્ષણો સ્ત્રીઓ જેવા છે, તે પોતાના મિત્રો, સમાજ અને પરિવાર સાથે મરી-મરીને જીવે છે, કેવી રીતે તેની સાથે દુશ્મનાવટમાં કોઇએ સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચર્યું, અને કેવી રીતે ગામડાનાં બાળકોનાં અપહરણના મોટા ષડયંત્રને ઉઘાડું કરે છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

શું તમે જાણો છોઃ
વિજયગિરિ બાવા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં જેણે મુકેશનું પાત્ર ભજવ્યું છે, તે રેડિઓ પર 'જો જીગા'ની પેરોડી ચલાવનાર આર. જે. મૌલિક નાયક પોતે છે. 

   ૪.ફિલ્મઃગુજ્જુભાઈ ધ ગ્રેટ
વાર્તા: હસમુખ ગાંધી નામના ગુજરાતી વેપારીને મન, 'જીવો અને જીવવા દો'નું સામાન્ય ગણિત હોય છે. એક દિવસ તેમની દીકરી વિદેશથી અચાનક તેના બોયફ્રેન્ડ સાથે ઘરે એન્ટ્રી કરે છે. ઘરમાં બધાને છોકરો પસંદ પડે છે પણ હસમુખભાઈને તે મૂરતિયો દંભી અને જૂઠ્ઠો લાગે છે. આ દરમિયાન હસમુખભાઈને તેમની દીકરી માટે સરળ અને સંસ્કારી છોકરા તરીકે ઓફિસમાં કામ કરતા બકુલ બુચ પર ધ્યાન પડે છે. હસમુખભાઈ બકુલને સામાન્ય છોકરામાંથી COOL ગુજ્જુ છોકરો, ગભરું જવાન બનાવવા મથે છે અને તેના ચક્કરમાં કેટલીક અણધરી આફતોમાંથી બંને પસાર થાય છે. છેલ્લે બકુલ હસમુખભાઈની દીકરી તનિષાના દિલને જીતે છે અને આ રીતે ફિલ્મનો હેપ્પી એન્ડિંગ આવે છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં આશરે 15 કરોડ રૂપિયા જેટલી કમાણી કરી હોવાનો અંદાજ છે. 
શું તમે જાણો છો?
આ ફિલ્મ ગુજરાતી નાટક 'ગુજ્જુભાઈએ ગામ ગજાવ્યું' પરથી બનાવવામાં આવી છે.
 
   ૫. ફિલ્મ: છેલ્લો દિવસ
વાર્તા: આ ફિલ્મની વાર્તા 8 મિત્રોની આસપાસ ફરે છે. તેમના કૉલેજ જીવનની સૌથી સુખદ અને દુઃખી પળો તેમજ રોમાન્સ અને કોમેડીથી ભરપુર કોલેજના છેલ્લા દિવસો અને તેમના જીવનની શરૂઆત વિશે છે. અર્બન ગુજરાતી શબ્દો, ફૂલ ઑફ કૉમેડી અને કૉલેજમાં બનતી ઘટનાઓ, મિત્રો અને તેમના સ્વભાવ દરેક દર્શકને પોતાના હોય તેવા લાગે છે, અને તેનાં કારણે જ આ ફિલ્મ અત્યાર સુધીમાં સૌથી વધારે ગુજરાતી દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ ફિલ્મને જોવાનો ક્રેઝ એટલો રહ્યો કે તેના પહેલા અઠવાડિયામાં તો થિયેટર્સમાં હાઉસ ફૂલનાં પાટિયાં લાગ્યા. જો કે એક દુઃખદ વાત એ પણ છે કે આટલી સરસ ગુજરાતી ફિલ્મની સેન્સર કોપી હાલ ઇન્ટરનેટ પર સરળતાથી ડાઉનલોડ કરવા મળી રહી છે અને કેટલાયના મોબાઇલમાં ફરતી થઈ ગઇ છે. 

શું તમે જાણો છો?
વર્ષ 2015ની આ 3જી એવી ગુજરાતી ફિલ્મ છે, જેણે ગુજરાતી દર્શકોનો સૌથી વધારે રિસ્પોન્સ પ્રાપ્ત કર્યો છે. વર્તમાન સમયે જોવા મળી રહેલા લોકજુવાળ પરથી કહીં શકાય કે આ અત્યાર સુધીની સૌથી કૉમેડી ગુજરાતી ફિલ્મ છે.