Iran Internet Blackout - ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શન પછી ઈન્ટરનેટ બ્લેકઆઉટ, ટેલીફોન સેવાઓ પણ ઠપ્પ, રીપોર્ટ
AFP અનુસાર, વિરોધ પ્રદર્શનો વચ્ચે ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. ઓનલાઈન મોનિટરિંગ સંસ્થા નેટબ્લોક્સના અહેવાલ મુજબ, ગુરુવારે દેશવ્યાપી ઈન્ટરનેટ શટડાઉન થયું હતું, આ સ્થિતિ 12 દિવસના આર્થિક વિરોધ પ્રદર્શનો પછી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં મરનારાઓની વધતી સંખ્યાથી ઉભી થઈ છે.
ઈન્ટરનેટ કંપની નેટબ્લોકસે સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "લાઈવ ડેટા દર્શાવે છે કે ઈરાનમાં દેશવ્યાપી ઈન્ટરનેટ બંધ છે. આ ઘટના દેશવ્યાપી વિરોધને લક્ષ્ય બનાવીને ડિજિટલ સેન્સરશીપમાં વધારો વચ્ચે આવી છે. શટડાઉનથી સંદેશાવ્યવહાર બંધ થઈ ગયો છે."
ઈરાનમાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ
ઈરાનના નિર્વાસિત ક્રાઉન પ્રિન્સના કોલના જવાબમાં તેહરાન અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનોમાં જોડાયા બાદ ગુરુવારે રાત્રે સમગ્ર દેશમાં ઈન્ટરનેટ અને ટેલિફોન લાઈનો કાપી નાખવામાં આવી હતી. ઈન્ટરનેટ કંપની ક્લાઉડફ્લેર અને બીજી કંપની, નેટબ્લોકસે ઈન્ટરનેટ આઉટેજની જાણ કરી હતી અને બંનેએ તેને ઈરાની સરકારની દખલગીરીને જવાબદાર ગણાવી હતી.
ટેલિફોન સેવાઓ પણ કાપી નાખવામાં આવી હતી. દુબઈથી ઈરાનમાં લેન્ડલાઈન અને મોબાઈલ ફોનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોલ કનેક્ટ થવામાં નિષ્ફળ ગયા. આર્થિક કટોકટીને કારણે ઈરાનમાં વિરોધ પ્રદર્શનો હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગયા છે.