મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (15:15 IST)

Good Husband- સારો પતિ કેવી રીતે બનવુ, સ્ત્રીઓની અપેક્ષા

How to become a good husband- આપણા દેશમાં પતિને પરમેશ્ર્વરનો દરજ્જો આપવામાં આવતો હતો. જોકે આજે એ માન્યતા બદલાઈ છે. સ્ત્રીઓ પતિને પરમેશ્ર્વર માનવાને બદલે પોતાનો સાથી માને છે, પણ કેટલીક સ્ત્રીઓએ પતિની ઘણી જોહુકમી સહન કરવી પડે છે, જેને કારણે ભારતમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અમલમાં આવ્યો છે. આ કાયદાને કારણે સ્ત્રીઓને ઘરેલુ હિંસા સામે રક્ષણ મળે છે. દહેજ માટે, શંકાને કારણે અથવા તો પછી પતિ દારૂડિયો કે બેરોજગાર હોય એને કારણે મગજ પરનો કાબૂ ગુમાવીને પત્ની સાથે ઝઘડો કે મારઝૂડ કરતો હોય છે. ઈન શોર્ટ, હકીકત એ છે કે આવા ગુનાઓનું પ્રમાણ ઘણું જ વધી જવાને કારણે સરકારે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ જેવો કાયદો અમલમાં મૂક્યો છે. હિન્દુસ્તાનમાં પતિદેવોનું આ ચિત્ર છે. ત્યારે યાદ આવે છે નારીવાદી રશિયન લેખિકા મારિયા આર્બિટોવાએ થોડા સમય પહેલાં આપેલું એક સ્ટેટમેન્ટ. મારિયાએ કહેલું કે, ‘હિન્દુસ્તાની પુરુષો શ્રેષ્ઠ પતિ બની શકે છે.’ છેને હિન્દુસ્તાની પુરુષો માટે ગૌરવ લેવા જેવી વાત?
 
મારિયા શું કહે છે?
 
મારિયાની આ વાત ‘હિન્દુસ્તાની પુરુષો શ્રેષ્ઠ હસબન્ડ બની શકે છે’ એ કઈ રીતે? એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘ભારતીય પુરુષો શ્રેષ્ઠ પતિ બની શકે છે, કારણ કે તેઓ ખુલ્લા દિલના અને પોતાના પરિવાર સાથે લાગણીથી જોડાયેલા હોય છે. પશ્ર્ચિમની સંસ્કૃતિમાં સુપરમેનની બોલબાલા હોય છે, જ્યારે ભારતીય પુરુષને રડવામાં પણ શરમ નથી આવતી, કારણ કે તે તેના પરિવાર સાથે લાગણીના બંધનથી બંધાયેલો છે.’
 
ભારતીય સ્ત્રીઓ શું માને છે?
 
એક રશિયન લેખિકા, એક રશિયન નારીવાદી સ્ત્રીનું મંતવ્ય ભારતીય પુરુષો પતિ તરીકે શ્રેષ્ઠ હોય છે એવું છે, પણ ભારતીય સ્ત્રીઓ આ માટે શું માને છે એ જાણવા એક અખબારે પોતાની સ્ત્રીવાચકોને આ જ પ્રશ્ર્ન પૂછ્યો, ‘શું તમે માનો છો કે ભારતીય પુરુષ શ્રેષ્ઠ પતિ સાબિત થઈ શકે?’ આ પ્રશ્ર્નના ઉત્તરમાં પર.૩ ટકા સ્ત્રીઓએ ભારતીય પુરુષો શ્રેષ્ઠ પતિ સાબિત થઈ શકે છે એ વાતમાં સંમતિનો સૂર પુરાવ્યો અને ૪ર.૭ ટકા સ્ત્રીઓ અસંમત થઈ. આ વિષયે અમારી એક બહેનપણી સાથે વાત કરતાં તે કહે છે, ‘ના,રે ના, ભારતીય પુરુષ અને તેય વળી શ્રેષ્ઠ પતિ? પોતે જમ્યા હોય એ થાળીયે સિન્કમાં નથી મૂકતા, શેકેલો પાપડ પણ ભાંગી નથી શકતા તે શ્રેષ્ઠ પતિ? મારા પતિ બીજી સ્ત્રીઓને માન આપે છે, પણ મને નહીં. તેમને તો બધું હાથમાં જ આપવું પડે. પાણીનો ગ્લાસ પણ હાથે ન લે અને આટલી સેવા કરવા છતાંય પ્રશંસાના બે શબ્દની અપેક્ષા તો રાખવાની જ નહીં, ઉપરથી વડચકાં ભરે અને કામમાં ભૂલો બતાવ્યા કરે એ તો લટકામાં. આવા પતિને તમે શ્રેષ્ઠ પતિ કહેશો?’
 
આનાથી વિરોધી સૂરમાં બીજી મિત્ર કહે છે, ‘એક ભારતીય પુરુષ પશ્ર્ચિમના પુરુષ કરતાં કદાચ વધુ સારો પતિ બની શકે છે કારણ કે ભારતીય માનસિકતા અનુસાર લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. અને પતિપત્નીને ભવોભવના સાથી માનવામાં આવે છે. લગ્નવિધિમાં સપ્તપદીમાં પણ પતિએ પત્નીનો સાથસહકાર આપવો અને તેના માન-સન્માનનું રક્ષણ કરવું એવું વચન આપવામાં આવે છે. આને કારણે અહીંના પુરુષો પોતાનું લગ્નજીવન ટકાવી રાખવા પોતાનું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરે છે. તેના માટે છૂટાછેડા એ છેલ્લો ઉપાય હોય છે, જ્યારે પશ્ર્ચિમમાં આમ નથી હોતું.’
 
શ્રેષ્ઠ પતિ ન હોવાનાં કારણો
જો કોઈ સ્ત્રી ભારતીય પુરુષને શ્રેષ્ઠ પતિ નથી માનતી તો એનાં કારણો ક્યાં હોઈ શકે? ઘણી વાર પુરુષ પત્નીને ઘરખર્ચ માટે પૂરતા પૈસા નથી આપતો, પરિવારનો ખર્ચ ચલાવવા માટે પૂરતા પૈસા ન મળે તો પત્ની ઘર કઈ રીતે ચલાવે? પૈસા માટે પતિ પાસે માગણી કર્યા કરવી પડે અને તે આપવાની ના પાડે તો બાળકો સામે પણ કેટલું ખરાબ લાગે? એ જ પતિ જ્યારે સિનેમા, નાટક ને સિગારેટ માટે મનફાવે તેમ પૈસા ઉડાડે ત્યારે પત્ની તેને શ્રેષ્ઠ પતિ કઈ રીતે માની શકે? એ જ રીતે કેટલીક સ્ત્રીઓને પુરુષમાત્ર દંભી લાગે છે. વધુ પ્રતિભાશાળી સ્ત્રીને પરણનાર પુરુષ સૌપ્રથમ તો સ્ત્રીની પ્રતિભાને કારણે પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કરે છે, પણ પછી ધીમે-ધીમે તે ઈચ્છશે કે પત્ની પૂર્ણપણે પોતાની જાતને બદલી નાખે, કારણ કે તે અસલામતીની ભાવનાથી પીડાય છે. બીજું, ભારતીય પુરુષોના મનમાં એક પ્રકારની માનસિકતા ઘર કરી ગઈ છે કે ઘરની જવાબદારીઓ તો સ્ત્રીએ જ નિભાવવાની હોય, પુરુષ એવું ઈચ્છે છે કે તેની પત્ની જ બધું કામ કરે. અરે, તેની એઠી થાળી પણ પત્ની જ ઉપાડે તેમ તે ઈચ્છે છે. પરદેશી પુરુષોની માનસિકતા આવી નથી. અહીંના પુરુષો તીવ્રપણે માલિકીભાવ ધરાવે છે. વળી ભારતીય પુરુષો માટે સ્ત્રોઓની એક ખાસ ફરિયાદ છે અને એ છે માવડિયા હોવાની. તેઓ મમ્મા’સ બોય હોય તો કાંઈ ખોટું નથી, પણ માની ઈન્ફ્લુઅન્સ વધારે પડતી હોય અને મા કહે એટલું જ જો પુરુષ કરે તો પછી તેના લગ્નજીવન પર નકારાત્મક અસર પડે છે. આ પણ કારણ છે કે પરદેશીઓ વધુ સારા પતિ બની શકે, કારણ કે તેઓ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતીય પુરુષોના વર્તનમાં ઘણો ફરક પડ્યો છે અને તેઓ શ્રેષ્ઠ પતિ બની શકવા તરફ આગળ વધી રહ્યા છે.
 
સંસ્કાર, સંસ્કૃતિનો ફરક
પશ્ર્ચિમની સ્ત્રીઓની અપેક્ષા ભારતીય સ્ત્રીઓની અપેક્ષા કરતાં અલગ છે. લગ્ન અને પરિવાર એની સંસ્કૃતિનો ભાગ નથી તેથી તેઓ પારિવારિક લાગણી ધરાવતા પુરુષને જુએ છે ત્યારે તેની પ્રશંસા કરે છે. મારિયાએ આપેલા સ્ટેટમેન્ટનું મુખ્ય કારણ કદાચ આ જ હશે. સામા પક્ષે જોઈએ તો ભારતીય નારીની તેના પતિ પ્રત્યે ઘણી ઓછી અપેક્ષાઓ હોય છે, કારણ કે તેનો ઉછેર જ એ રીતે થયો હોય છે. તે પતિ અને સાસરિયાંઓ પ્રત્યે સમર્પિત હોય છે. જોકે હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. આજની શિક્ષિત નારી જે પોતે સ્વતંત્ર વિચાર અને વ્યક્તિત્વ ધરાવે છે તે પોતાના પતિ પાસે આર્થિક સહકારની અપેક્ષા નથી રાખતી, પણ ઘરકામમાં મદદની અપેક્ષા રાખે છે.
 
તમને શું લાગે છે ભારતીય પુુરુષો શ્રેષ્ઠ પતિ છે? તમે પોતે શ્રેષ્ઠ પતિ છો? જવાબ આપવાની જરૂર નથી. મનમાં જ વિચારજો.
 
તાલીમની જરૂર
 
આમ તો મારિયાની વાત સાચી લાગે છે, જો ભારતીય પુરુષને સમજાવી-પટાવીને તાલીમ આપવામાં આવે તો તે શ્રેષ્ઠ પતિ સાબિત થઈ શકે છે. પત્ની પણ કામ કરતી હોય તો ઘરમાં મદદ કરવી, પત્નીની માંદગી વખતે તેની સારસંભાળ લેવી વગેરે બાબતોની જો તેને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે શ્રેષ્ઠ બની શકે છે.
 
ભારતીય પુરુષ શ્રેષ્ઠ પતિ બનવાની ક્ષમતા ધરાવે છે, પણ એનો આધાર તેના ઉછેર પર રહે છે. જો તેની માતા દ્વારા તેનો ઉછેર સારી રીતે થયો હશે તો તે સારો પતિ બની શકે છે.