શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (20:07 IST)

દાંપત્યજીવનને રોમાંચિત રાખવા થોડી મોજ-મજા પણ કરી લેવી જોઇએ

લગ્નજીવનના શરૂઆતનાં વર્ષોમાં જે રોમાંચ કે રોમાંશ દંપતીના જીવનમાં જોવા મળે છે, તે સમયના વહેણની સાથે સાથે થોડો સુકાતો જાય છે. તેનું મુખ્ય કારણ જીવનમાં સહજીવનની સાથે સાથે બદલાતા જતા અગ્રતાક્રમ ગણાય છે. એક-બે વર્ષ બાદ બાળકોના ઉછેરની જવાબદારી, શિક્ષણની જવાબદારીની સાથે બાળકોની વિવિધ માગણીઓને પૂરી કરવામાં ભારતીય માતા-પિતા તેમનું અસ્તિત્વ પણ ભુલાવી દેતાં હોય છે. દાંપત્યજીવનમાં જો રોમાંચ જળવાઈ રહે તેવી ઈચ્છા ધરાવતા હો તો થોડું સાહસ અને થોડી હિંમત એકઠી કરીને લોકો શું કહેશે તે વાતોથી ડર્યા સિવાય થોડી મોજ-મજા પણ કરી લો. દાંપત્યજીવનમાં પ્રેમરૂપી જ્યોતની દીપને ઝળહળ ઝગમગાવો.
 
ડાન્સ શીખો : પાશ્ર્ચાત્ય ડાન્સ જેવા કે સાલસા, બૉલરૂમ ડાન્સ શીખો. તે ન ફાવે તો રાજસ્થાની પદ્ધતિના ફોક ડાન્સ શીખીને તમારો આત્મવિશ્ર્વાસ વધારી શકો છો. આપ નાનું ગ્રુપ બનાવીને પણ ઘરે ડાન્સમાં પારંગત વ્યક્તિને બોલાવીને શીખી શકો છો. ફક્ત એક વાર જાતને પ્રોત્સાહન આપીને જીવનમાં કંઈક નવું કરવાની ધગશ જગાવો. શરીરની સાથે મનનું સ્વાસ્થ્ય પણ તરોતાજા થઈ જશે.
 
પક્ષી કે પ્રાણીને પાળો: રોજબરોજના જીવનમાં ક્યારેક ઉદાસી કે ખિન્નતા વ્યાપી જાય, ત્યારે ઘરમાં પાળેલાં પ્રાણીનો પ્યાર આપના જીવનને આનંદમય બનાવી દે છે. જીવનમાં જ્યારે કોઈ અંગત વ્યક્તિ દ્વારા દગો આપવામાં આવે ત્યારે અચૂક આપણે બોલતા હોઈએ છીએ કે આના કરતાં તો મેં શ્ર્વાન પાળ્યો હોત તો સારું હતું. પાળેલાં પ્રાણીની વફાદારી અને પ્યાર નિર્દોષ હોય છે. દિવસભરના કામ બાદ જ્યારે થાકેલી-પાકેલી વ્યક્તિ ઘરમાં પ્રવેશે તે સમયે પાળેલ પ્રાણી કે પંખી દ્વારા જે રીતે તેના માલિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, તે થાક કે ગુસ્સાને પાછળ છોડીને વ્યક્તિને તરોતાજા કરી દે છે. પ્રાણી કે પંખીને થોડા સમય માટે દત્તક પણ લઈ શકાય તેવી સુવિધા સરળતાથી મળી રહે છે. પંખી કે પ્રાણી તેના માલિકના સહવાસમાં રહેવાનું એકધારું પસંદ કરતાં હોય છે. જેને કારણે દંપતી વચ્ચે પણ એકબીજા વચ્ચે પ્યારમાં વધારો થાય છે.
 
નક્કી કર્યા વગર પર્યટન કે પ્રવાસે નીકળો : રોજબરોજના કામકાજના વ્યસ્ત જીવનમાં કલાકો-દિવસો-વર્ષો ક્યાં પસાર થઈ જાય છે, તેનો ખ્યાલ જ રહેતો નથી. જીવનમાં એકબીજાના સહવાસની પળોને સમય મળે ત્યારે માણી લો. જીવન ક્યારેય આયોજનથી જીવાતું નથી. ઈશ્ર્વરના આયોજનની પાસે માનવીનું આયોજન ક્યારે વિખેરાઈ જાય તેનો કોઈ હિસાબ હોતો નથી. થોડો સમય સ્વ માટે કાઢીને સવારથી સાંજ ફરવા નીકળી જાઓ. બસ તેમાં સફળતા મળે ત્યારબાદ પાંચથી છ દિવસના પ્રવાસે નીકળી જાઓ. અંગત ક્ષણોને માણી લેજો. લોકો શું કહેશે કે સમાજમાં કેવું લાગશે તેની પરવા કરવાનું છોડીને મનભરીને એકબીજાનો મીઠો સહવાસ માણી લેજો. જે આપના જીવનમાં નવી જિંદગી ભરી દેશે.
 
રસોઈઘરમાં એકબીજાને મનપસંદ વાનગી બનાવો: શનિ-રવિની રજાઓમાં કાયમ બહાર જમવા જવાને બદલે એકબીજાને મનગમતી વાનગી રસોડામાં સાથે મળીને બનાવો. તમારા મિત્રોને પણ તમારો અનુભવ જણાવો. ક્યારેક તેમને ભોજન માટે બોલાવી તમારી રસોઈ કળા વિશે પણ બીજાના મંતવ્યો લો. તેમને પણ એકબીજાને માટે રસોઈ બનાવવાનો ઉત્સાહ જાગે તેવી પહેલ કરો. હું તો રસોડામાં ગયો જ નથી કે જઉં પણ નહીં તેવા ખોટા ખ્યાલો કાઢી નાખો. જમાનાની સાથે ચાલવા માટે પણ નાની નાની આનંદની પળોને માણતા રહો.
 
મસાજ કરાવો: ગિરિ મથકે ફરવા જવાનું થાય ત્યારે ઊંચા ચઢાણ ચડીને પગમાં કેટલો દુખાવો થાય છે. સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતી માલિશ બાદ અંગોમાં થતો દુખાવો ક્યાં ચાલી જાય છે, તેનો ખ્યાલ જ રહેતો નથી. મસાજ કરાવવાથી શરીર હલકું થઈ જાય છે. એકલા નહીં પણ બંને સાથે થોડો સમય કાઢીને માલિશ કરાવવા પહોંચી જાવ. સાથે સમય કાઢીને સ્વને પંપાળી કે લાડ લડાવવાથી જીવન પ્રફૂલ્લિત બની જશે.
 
એકબીજાને નાની-મોટી ભેટ આપો: વર્ષગાંઠ કે લગ્ન તિથિમાં ભેટ આપવાની સાથે ક્યારેક ક્યારેક મન આનંદિત હોય તે સમયે એકબીજાને ભેટ આપો. સમય ન મળે તો ફૂલનો ગુલદસ્તો પણ આપો. જે વ્યક્તિને સામેની વ્યક્તિ માટે પણ મહત્ત્વની છે તેમ દર્શાવે છે. જીવનમાં પ્યારને અખંડ રાખવા માટે એકબીજાની ખુશીનો ખ્યાલ રાખવો જરૂરી છે. લગ્ન પહેલાં જોવા મળતો પ્યાર લગ્નજીવનનાં દસ-પંદર-પચ્ચીસ-પચાસ વર્ષ બાદ પણ જીવંત રાખવા પ્રાથમિક્તા કે અગ્રતાક્રમમાં બદલાવ વારંવાર લાવતા રહો. તેથી જ તો કહેવાયું છે કે સફળ લગ્ન એટલે પ્રિય વ્યક્તિની બધી જ ભૂલોને માફ કરીને તેની સાથે જ વારંવાર પ્રેમમાં પડવું.